રાજકોટ : રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલા સર્વેશ્વર ચોકમાં વર્ષો જૂના વોકળાનો સ્લેબ તૂટવાની ઘટના 24 સપ્ટેમ્બરે સામે આવી હતી. જ્યારે આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું પરંતુ આ ઘટના બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા વોકળાની નજીકમાં આવેલી બિલ્ડિંગના દુકાનધારકોને નોટિસ પાઠવી છે અને તાત્કાલિક આ બિલ્ડિંગનો સ્ટ્રકચર ફિઝિકલ રિપોર્ટ મનપા તંત્રમાં ફાઇલ કરવા માટેની લેખિતમાં જાણ કરી છે.
દુકાનો ખોલવા રજૂઆત : જ્યાં સુધી બિલ્ડિંગના દુકાન ધારકો ફિઝિકલ રિપોર્ટ તંત્રમાં સબમિટ નહીં કરાવે ત્યાં સુધી આ બિલ્ડિંગમાં ઓફિસો અને દુકાનો કોર્પોરેશન દ્વારા બંધ રાખવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. એવામાં આગામી દિવસોમાં દિવાળી સહિતના મહત્વના તહેવાર છે ત્યારે તહેવારના અનુલક્ષીને વેપારીઓની દુકાનો બંધ હોવાના કારણે વેપારીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે આ સમગ્ર મામલે આજે વેપારીઓ દ્વારા મનપા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.
ઘટના બાદ 90 જેટલી દુકાનો અને ઓફિસો બંધ : આ મામલે સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા અને કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોકમાં સ્લેબ પડવાની ઘટના બાદ આજની તારીખ સુધી અહીંયા ઓફિસ અને દુકાન ધરાવતા તમામ વેપારીઓના ધંધા રોજગાર બંધ છે. જ્યારે આગામી દિવસોમાં દિવાળી સહિતના મહત્વના તહેવારો પણ આવી રહ્યા છે.
આ મામલે અમે કોર્પોરેશન તંત્રને પહેલા જ રજૂઆત કરી હતી કે આ બિલ્ડીંગનું કોઈ ફિટનેસ સર્ટિફિકેટ આપવા માટે તૈયાર નથી. એવામાં કોર્પોરેશન તંત્રના એન્જિનિયરો દ્વારા આ બિલ્ડીંગનું સર્વે કરવામાં આવે અને ત્યારબાદ તેનું ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવે. જ્યારે આ કામગીરીનો જે પણ ખર્ચ થતો હશે તે અમે તેમને ચૂકવશું પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે અહી ઓફિસો અને દુકાનો બંધ હોવાના કારણે તમામ લોકોના કામ ધંધાને અસર થઈ રહી છે...મહેશ રાજપૂત ( વેપારી અને કોંગ્રેસ નેતા )
આગામી એક બે દિવસમાં નિરાકરણ : જ્યારે મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં ઓફિસો અને દુકાન ધરાવતા નાના મોટા વેપારીઓ આજે રજૂઆત માટે આવ્યા હતાં. એવામાં ઘટના પહેલા આ વેપારીઓએ અગાઉ બિલ્ડીંગનું એસોસિએશન બનાવ્યું નહોતું. પરંતુ હવે એસોસિએશન બનાવવાની કામગીરી હાલ શરૂ છે.
સર્વેશ્વર ચોકમાં આવેલી બિલ્ડીંગના સ્ટ્રકચરલ ફિટનેસ સર્ટિફિકેટની જે વાત છે તેમાં થોડી નાની મોટી મુશ્કેલીઓ આવી રહી હતી. ત્યારે આ મામલે વેપારીઓએ રજૂઆત કરી છે. જ્યારે આ નાની મોટી મુશ્કેલીઓ દૂર થાય તે દિશામાં કોર્પોરેશન તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. જેના કારણે મનપાતંત્ર દ્વારા જે પણ કાર્યવાહી કરવાની થતી હશે તે કરશે અને વેપારીઓ તરફથી જે સૂચનો હશે તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે...આનંદ પટેલ ( કમિશનર, રાજકોટ મહાનગરપાલિકા )
વેપારીઓ મુશ્કેલીમાં : ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં દિવાળી સહિતના જ મહત્વના તહેવારો છે એવામાં સર્વેશ્વર ચોકમાં આવેલી નાની મોટી 90 જેટલી ઓફિસો અને દુકાનો બંધ છે. જેને લઇને વેપારીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે.