રાજકોટઃ મનપા દ્વારા શહેરમાં અખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીઓ અને સપ્લાયર્સ પર અવાર નવાર રેડ કરવામાં આવી રહી છે. મનપાના ફૂડ ડીપાર્ટમેન્ટે એક રેડ દરમિયાન અખાદ્ય મલાઈનો કુલ 6 ટનથી વધુ જથ્થો ઝડપી લીધો છે.
સેમ્પલ લેબમાં મોકલાયાઃ રાજકોટના લાખના બંગલા ચોક નજીકથી એક કોલ્ડ સ્ટોરેજ માંથી અંદાજિત 6 ટન કરતા વધુ એક્સપાઇરી ડેટનો મલાઈનો જથ્થો જપ્ત કરાયો છે. આ અખાદ્ય મલાઈના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસઅર્થે મોકલી અપાયા છે. સેમ્પલ લીધા બાદ મલાઈનો જથ્થો નાશ કરવામાં આવશે. હવે લેબોરેટરી માંથી સેમ્પલનો જે રિપોર્ટ આવે તેના પરથી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે.
ફૂડ ડિપાર્ટમેન્ટને પ્રાથમિક માહિતી મળી હતી કે શહેરના લાખના બંગલા ચોક નજીક રવિરાજ કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય પદાર્થનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. તેથી અમે ઘટના સ્થળે તપાસ કરી હતી. અહીંયા થોડો ઘણો આઈસ્ક્રીમનો જથ્થો હતો અને સાથે જ મોટા પ્રમાણમાં મલાઈનો જથ્થો મળી આવ્યો હતો.આ મલાઈના જથ્થાની ઉપરના સ્ટિકર પરથી તે એક્સપાર્ય્ડ હોવાનું માલૂમ પડ્યું હતું. આ અખાદ્ય મલાઈનો જથ્થો રફાળા ગામ ખાતેના પ્રોડક્શન હાઉસથી કોલ્ડ સ્ટોરેજમાં લાવવામાં આવ્યો હતો...હાર્દિક મહેતા (ફૂડ ઓફિસર, મનપા, રાજકોટ)
વારંવાર પકડાય છે અખાદ્ય પદાર્થોઃ રાજકોટ મનપાના ફૂડ ડિપાર્ટમેન્ટે કોલ્ડ સ્ટોરેજમાંથી 6 ટન કરતા વધુનો મલાઈનો અખાદ્ય જથ્થો ઝડપીને પ્રશંસનીય કાર્યવાહી કરી છે. આ અગાઉ રાજકોટમાંથી મોટા પ્રમાણમાં અખાદ્ય પનીરનો જથ્થો ઝડપાયો હતો. ત્યારબાદ દાબેલા ચણા તેમજ વાસી માવાનો જથ્થો પણ પકડી પાડવામાં આવ્યો હતો. ફૂડ ડિપાર્ટમેન્ટની શ્રેણીબદ્ધ કાર્યવાહીથી ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.