રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં માત્ર રાજકોટને એઇમ્સ ફાળવવામાં આવી છે. ત્યારે રાજકોટના જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામ નજીક 400 એકર જમીનમાં અંદાજીત રૂ.1200 કરોડના ખર્ચે એઇમ્સનું નિર્માણ કરવાનું આયોજન છે. જોકે હવે AIIMSની ડિઝાઈન ફરી એકવાર નવેસરથી તૈયાર કરવામાં આવી છે.
હાલમાં પરાપીપળીયા નજીક 160 એકર જમીનમાં કમ્પાઉન્ડ વોલ અને જમીન સમથળ કરવાનું કામ શરૂ કરવામા આવ્યું હતું. પરંતુ લોકડાઉનના કારણે તેને થોડા સમય માટે બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ ફરીથી આ કામને શરુ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, રાજકોટ એઈમ્સ માટે અગાઉ પણ બે વખત લેઆઉટ ફાઇનલ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લી ઘડીએ ફરી એઇમ્સના પ્લાન અને નકશામાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં સિક્સલેન રસ્તા અને પ્રવેશ દ્વાર માટે પ્લાનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.
જેને લઈને આ પ્લાન ફાઇનલ થતા કેન્દ્રની ટીમ દ્વારા પણ તાજેતરમાં એઈમ્સના નિર્માણ માટેના સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. જે દરમિયાન સ્થળ નિરીક્ષણ કરતા એઇમ્સ સ્થળ પર ખંઢેરી ગામ નજીક 40 એકર જમીનમાં વરસાદી પાણીનો ભરાવો થવાની શક્યતાને લઈને ફરી જમીનમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો અને રાજકોટ કલેક્ટર દ્વારા 40 એકર જમીન ફરી પરાપીપળીયા નજીક ફાળવવામાં આવી હતી. જેને લઈને ફરી એઈમ્સના પ્લાનમાં ફેરફાર થયો હતો.
જમીનની ફેરણી બાદ ફરી આરોગ્ય વિભાગ દ્વારા નવેરસથી એઇમ્સની ડિઝાઇન તૈયાર કરી ફાઇનલ કરવામાં આવી છે. તેમજ લેઆઉટ પ્લાન પણ ફરી રાજકોટ રૂડામાં ગત સપ્તાહે સબમીટ કરવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી સમયમાં આ પ્લાનને મંજૂરી મળતાની સાથે એઈમ્સના નિર્માણ માટેનું કામ શરૂ થવાની શક્યતો સેવાઇ રહી છે. રાજકોટ એઇમ્સ માટે છેલ્લા છ મહિનામાં ત્રણ ત્રણ વખત ડિઝાઇન ફાઇનલ કર્યા બાદ પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જેને લઈને એઈમ્સનું કામ શરૂ થવામાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હજુ પણ રાજકોટમાં નિર્માણ થનાર એઈમ્સનું ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરવાની વાત પણ સામે આવી હતી, અને તેના માટેની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાની મહામારી દરમિયાન લોકડાઉન થતા ફરી એઇમ્સનું ખાતમુહૂર્તનું કામ પણ અટકી પડ્યું હતું.