રાજકોટમાં છેલ્લા 2 દિવસમાં ધોધમાર વરસાદ પડતા આજી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. જેને લઇને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ક્યાંક પાણી ઓસરી ગયા હતા તો ક્યાંક પાણી એ જ સ્થિતીમાં જોવા મળ્યું હતું. રાજકોટની સિવિલમાં છેલ્લા 2 દિવસથી ઘુંટણસમા પાણી ભરાયા હતા. વધુમાં કરોડો રુપિયાના ખર્ચે બનેલી હોસ્પિટલમાં પાણી નિકાલની પણ વ્યવસ્થા નથી. OPD બિલ્ડીંગમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.
એક તરફ વરસાદી માહોલમાં રોગચાળો જોવા મળી રહ્યો છે. દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર રાજકોટ સિવિલ તંત્રની બેદરકારી સામે આવી છે. 48 કલાકમાં પાણી નિકાલની વ્યવસ્થા ન થતાં રાજકોટ સિવિલના તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.