રાજકોટઃ રાજકોટ મહાનગરપાલિકાના લોકલફંડ ઓડિટે તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં સામે આવ્યું છે કે, મહાનગરપાલિકામાં ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને વહિકલ એલાઉન્સ ચુકવવામાં આવે છે. તે નિયમો અનુસાર નથી. મનપા દ્વારા 2017-18માં ચુકવવામાં આવેલા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને વહીકલ એલાઉન્સના રૂપિયા. 98,05,488 તથા ફોન એલાઉન્સના રૂપિયા 33,50,160માં રેકોર્ડ આધારિત ખરાઈ કરવા અને જો નિયમ અનુસાર આ નાણાંની ચુકવણી ન કરવામાં આવી હોય તો રિકવરી કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
હાલ આ પ્રકારના ઓડિટ રિપોર્ટથી મનપમાં કેટલાક ચોક્કસ કર્મચારીઓમાં દોડધામ મચી છે. તેમજ મનપાના પદાધિકારીઓના પી.એ, પી.આર.ઓથી માંડીને આસિસ્ટન્ટ કમિશ્નર અને મનપાના ક્લાર્ક સુધીના અંદાજીત 700 જેટલા કર્મચારીઓ હાલ રડારમાં આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપાના વર્ષ 2017-18ના એક ઓડિટ રિપોર્ટમાં વિવિધ શાખાના અધિકારીઓ કર્મચારીઓને પગાર બીલમાં ચુકવવામાં આવતા મોબાઈલ ફોન અને પેટ્રોલ એલાઉન્સ અંગે ખરાઈ મંગાવવામાં આવી છે. તેમજ જો આ સાબિત ન થઈ શકે તો તે અંગે ફાળવેલા રૂપિયાની રિકવરી કરવાનો આદેશ જાહેર કરાયો છે, ત્યારે આ મામલે રાજકોટ મનપાના શાસક અને વિપક્ષ એક બીજા પર આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે.