બનાસકાંઠા : બહુચર્ચિત ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર માઈન્ડ ભગવાનસિંહ પરમાર આખરે ખાખીના સકંજામાં આવી ગયો છે. આરોપીને કેવી રીતે ક્રાઈમ સ્ટોરી ઘડવાનો વિચાર આવ્યો, પોલીસની પૂછપરછમાં માસ્ટર માઈન્ડે એવી તો કેવી ચોંકાવનારી કબૂલાત કરી અને સાગરીતો સાથે કેવી રીતે પોતાના જ નોકરની હત્યા કરીને ફિલ્મની કહાની જેમ ઘટનાને અંજામ આપ્યો, જોઈએ આ વિશેષ અહેવાલમાં...
બહુચર્ચિત ધનપુરા કારકાંડ : પોલીસ વચ્ચે બેઠેલો આ ભોળા ચહેરાવાળો શખ્સ બહુચર્ચિત ધનપુરા કારકાંડનો મુખ્ય માસ્ટર ભગવાનસિંહ પરમાર છે, જેને હોટલ બનાવવા અને પોતાની કાર માટે લોન લીધી. જોકે, લોન ભરપાઈ થઈ શકે તેવી પરિસ્થિતિ ન રહેતા ક્રાઈમ કરવાનું વિચારી લીધું, જેથી લોન પણ ન ભરવી પડે અને લાખો રૂપિયા મળી જાય.
ક્રાઈમ સિરિયલ જોઈ બનાવ્યો પ્લાન : આરોપીએ ટીવી પર આવતી ક્રાઈમ સિરિયલ જોવાનું શરૂ કર્યું અને તેમાંથી પોતાના જ મોતની ક્રાઇમ કહાની ઘડી કાઢી. આરોપીએ ભગવાનસિંહ પરમારે આ ષડયંત્રમાં પોતાના મિત્રો અને સાગરીતોનો સાથ લીધો. સૌથી પહેલા તેને પોતાનો એક કરોડનો વીમો અને 26 લાખની પોલીસી લીધી, જેના થોડા દિવસો બાદ શરૂ કર્યો પોતાના જ મોતનો ખેલ.
મોતના નાટક માટે જરૂર હતી મૃતદેહની...
સૌથી પહેલા આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને પોતાના જ ગામના સ્મશાનમાં દફનાવેલ એક મૃતદેહને બહાર કાઢ્યો. પરંતુ પ્લાન મુજબનો મૃતદેહ ન મળતા માત્ર હાડકા જ હાથ લાગતા તેને અન્ય જગ્યાએ લઈ જઈ સળગાવી દીધો. તે બાદ ફરી તેણે ગામમાંથી અન્ય એક મૃતદેહ બહાર કાઢ્યો, પરંતુ તે મૃતદેહ મહિલાનો નીકળતા ફરી ત્યાં જ દફન કરી દીધો.
મૃતદેહ ન મળતા કરી હત્યા...
બે વાર નિષ્ફળ ગયેલા ભગવાનસિંહ પરમારે છેલ્લે પોતાની જ હોટલમાં નોકરી કરતા રેવાભાઈ ગામેતી વિરમપુર વાળાની સાગરીતો સાથે મળીને હત્યા કરી દીધી. તે બાદ ચહેરાની કોઈ ઓળખ ન કરી શકે અને પોતાનું જ મૃત્યુ થયું છે તેવું સાબિત કરવા માટે મૃતદેહને હોટલની પાછળ લઈ જઈ ચહેરાને સંપૂર્ણ બાળી નાખ્યો. આખરે નક્કી કરેલા પ્લાન મુજબ ધનપુરા નજીક રેવાભાઈ ગામેતીના મૃતદેહને કારમાં મૂકીને સળગાવી દીધી.
"કાનૂન કે હાથ લંબે હોતે હૈ"...
જોકે, પોતાના જ મોતનું કારસ્તાન રચી એક નિર્દોષ વ્યક્તિનો જીવ લેનાર આ ભગવાનસિંહ પરમાર અને તેના સાગરીતોએ એ ન વિચાર્યું કે ટીવી પર આવતી ક્રાઈમ સિરિયલ જોઈ ક્રાઈમ તો શીખી શકાય, પરંતુ ક્રાઈમ છુપાવી ન શકાય. આ કહેવત પણ યાદ રાખવી જોઈએ કે "કાનૂન કે હાથ લંબે હોતે હૈ" અને કંઈક આ જ રીતે અલગ અલગ સાત ટીમો સાથે જ ફોરેન્સિક રિપોર્ટની મદદથી પોલીસે આ સમગ્ર ફિલ્મી કહાનીનો પર્દાફાશ દીધો છે.
જેલના સળીયા પાછળ ધકેલાયો માસ્ટરમાઈન્ડ...
એક હોટલ માલિકે દેવું ભરવા માટે એક પ્લાન કર્યો અને તેમાં સાથ આપ્યો તેમના મિત્રો અને સાગરીતોએ. જોકે, ન તો હોટલ માલિકનું દેવું ભરાયું અને ન તો ક્રાઈમ પ્લાનમાં સફળ થયા. આખરે પરિવારને રોવાનો અને આ તમામ નવ લોકોને પસ્તાવા સાથે જેલમાં જવાનો વારો આવ્યો છે.