રાજકોટ: કોરોના કહેરના કારણે દેશના મોટાભાગના ઉદ્યોગ-ધંધામાં મંદી જોવા મળી રહી છે ત્યારે તેની સૌથી વધુ અસર વિવિધ પુસ્તકો છાપતા પ્રકાશનોને થઇ છે. છેલ્લા કેટલાક સમયથી શાળા-કોલેજો બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓ પુસ્તકો ખરીદી નથી રહ્યા. લોકડાઉન બાદ પ્રકાશનોને આશા હતી કે એકવાર શાળા-કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થશે ત્યારે પુસ્તકોની માગ ઉભી થશે. પરંતુ કેટલીક શાળા-કોલેજોએ વિદ્યાર્થીઓને પરીક્ષાઓ લીધા વગર માસ પ્રમોશન આપી દીધુંં છે. જેને પગલે પરીક્ષાઓ પણ યોજાઈ નહિ અને પુસ્તકો પણ ન વેચાયા. આમ, જૂના પુસ્તકો વેયાયા વગર પડી રહ્યા છે અને નવા પુસ્તકોની છાપણી પણ બંધ કરી દેવામાં આવી છે.
રાજકોટમાં છેલ્લા 30 વર્ષથી પ્રકાશન વ્યવસાય સાથે જોડાયેલા ક્રિએટીવ પ્રકાશનના માલિક વિક્રમભાઈ શાહે આ અંગે ઈટીવી ભારતને જણાવ્યું કે લોકડાઉન પહેલા પરીક્ષાઓ યોજાવાની હતી જેને લઈને મોટાભાગના પુસ્તકો છપાઈ ગયા હતા. પરંતુ કોરોના મહામારી આવતા લોકડાઉન લાગુ પડ્યુ અને શાળા-કોલેજો બંધ થઈ ગઈ. આથી જે પુસ્તકો વેચાવાના હતા તે પણ વેચાયા નહી. હજુ પણ શાળા કોલેજો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે એટલે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણમાં પુસ્તકોની ખૂબ ઓછી જરૂર પડે છે. જેને લઈને વિદ્યાર્થીઓ પુસ્તકો ખરીદતા નથી. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા પુસ્તકોનો હાલ વધુ ઉપયોગ થઈ રહ્યો છે. કોરોનાના કારણે પ્રકાશનનો 99 ટકા જેટલો વેપાર ઠપ્પ થઈ ગયો છે. પુસ્તકોનું વેચાણ ઓછું થતા હાલ પુસ્તકો છાપવાનું જ બંધ કરી દેવામાં આવ્યુ છે અને બજારમાં ટકવા લોકોને માત્ર ડીજીટલ પ્રિન્ટ આપી રહ્યા છીએ. પરંતુ તેની પણ માગ જોઈએ એવી નથી. જ્યારે આ અંગે ઈટીવી ભારત દ્વારા ખ્યાતનામ લેખક અને ફૂલછાબ અખબારના તંત્રી કૌશિકભાઈ મહેતા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં જો સૌથી વ્યાપક નુકશાન કોઇ ઉદ્યોગને થયુ હોય તો તે અખબારો અને પુસ્તક પ્રકાશનોને છે. ગુજરાતી પુસ્તકોનું 50 ટકા સુધીનું વેચાણ પુસ્તક મેળામાં થાય છે. પરંતુ કોરોનાને લઇને આ વખતે આવા પુસ્તક મેળા યોજાવાની શક્યતા ઓછી છે. જેની સીધી જ અસર પ્રકાશનો પર જોવા મળશે. લોકડાઉનમાં પણ લોકોનો ઝુકાવ મોબાઈલ અને ટીવી તરફ વધુ હતો. મંદીનો આકરો પ્રહાર સહન કરી રહેલા આ વ્યવસાયને બેઠો થતા હજુ દિવાળી સુધીનો સમય લાગી શકે છે. ઉપરાંત જે પુસ્તકો લોકડાઉનમાં બહાર પડ્યા હતા, તેમના વિમોચનોના કાર્યક્રમો પણ અટકી પડ્યા છે. ઓનલાઈન પુસ્તકોની ખરીદીમાં પણ 10થી 15 ટકા સુધીની ખરીદી જોવા મળી રહી છે. જેને લીધે પણ પ્રકાશન ઉદ્યોગને ફટકો પડયો છે. સતત વધતા કોરોના કેસના કારણે ગુજરાતમાં નજીકના ભવિષ્યમાં શાળા-કોલેજો ખુલે તેની શક્યતાઓ ઘણી ઓછી છે ત્યારે આ ડીજીટલ માધ્યમો પ્રકાશકોને કેટલા ફળદાયી નીવડશે તે હવે જોવાનું રહ્યું.