રાજકોટ: કોરોના પોઝિટિવ કેસની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે છેલ્લા બે દિવસમાં 10 જેટલા કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેને લઈને પોલીસ પણ વધુ એલર્ટ થઈ છે.
રાજકોટ પોલીસ દ્વારા શહેરીજનો લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરે તે માટે 150ફૂટ રિંગરોડ પર આવેલા ત્રણ ઓવરબ્રિજને બંધ કર્યા છે. જેના પરથી વાહનચાલકો પસાર થઈને સહેલાઈથી લોકો રાજકોટમાં અંદર અને બહાર આવી જઈ શકે છે. જેને લઈને આ ત્રણેય ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે. તેમજ અહીંથી પસાર થતા લોકોને હવેથી BRTS રૂટ પરથી ફરજિયાત પસાર થવું પડશે.
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી, કેકેવી ચોકડી અને મવડી ચોકડી આ ત્રણેય જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. જેને લઈને આ બ્રિજ પરથી લોકો લોકડાઉનામાં પણ સહેલાઈથી જતા હતા જે પોલીસના ધ્યાને આવતા પોલીસ તંત્ર દ્વારા ત્રણેય બ્રિજને હાલ પૂરતા બંધ રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા કેટલાક ઉદ્યોગોને શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને રાજકોટના શાપર વેરાવળ અને GIDC મેટોળા જવા માટે મોટાભાગના લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હતા.
આ સાથે જ ગોંડલ અને જામનગર તેમજ મોરબી જવા માટે પણ રાજકોટના 150 ફૂટ રિંગરોડ પરથી સહેલાઈથી જઈ શકાય છે માટે પોલીસ દ્વારા આ મુખ્યમાર્ગના ઓવરબ્રિજને બંધ કરવામાં આવ્યા છે.