રાજકોટ: આગામી 27 જુલાઈના રોજ પીએમ મોદી રાજકોટના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન પીએમ મોદી રાજકોટના નવા નિર્માણ પામેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરશે. પીએમ મોદી રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભાને સંબોધન કરશે. જેના માટે હાલ રેસ કોર્સ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જર્મન ડોમ ઉભો કરવામાં આવ્યો છે.
ઉત્સાહનો માહોલ: ડોમમાં અંદાજિત 75 હજારથી 1 લાખ લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરાઇ છે. પીએમ મોદી લાંબા સમય બાદ સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટ ખાતે આવનાર હોય તેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે. પીએમ મોદી રેસકોર્સ ગ્રાઉન્ડ વિશાળ જનસભાને સંબોધન કરશે. રેસકોર્ષ ખાતે પીએમ મોદીની સભામાં અંદાજિત 1 લાખ લોકો આવે તેવી શક્યતાઓ છે.
'પીએમ મોદીના કાર્યક્રમમાં 9 એસપી રેન્કના ઓફિસર, DYSP કક્ષાના 18 અધિકારી, PI કક્ષાના 60 અને 169 PSI સહિત 3 હજાર જેટલા પોલીસ કર્મીઓ ખડેપગે ફરજ બજાવશે. SRP અને અન્ય જિલ્લાઓની પોલીસની પણ પીએમ મોદીના કાર્યક્રમમાં ફરજ બજાવશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી રાજકોટ એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી કાર મારફતે રેસ કોર્સ ગ્રાઉન્ડ ખાતે જશે. પીએમ મોદી લોકોના અભિવાદન પણ જીલશે. પીએમ મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.' -પાર્થરાજ સિંહ ગોહિલ, DCP, રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ
પ્રોજેક્ટનું લોકાર્પણ: સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુ ધૂર્વે ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પીએમ મોદી અમેરિકા અને ફ્રાન્સનો સફળ પ્રવાસ બાદ ગુજરાતમાં પ્રથમ વખત આવી રહ્યા છે. પીએમ મોદી રાજકોટમાં 2 હજાર કરોડથી વધુના પ્રોજેકટનું લોકાર્પણ કરશે. ગુજરાતના સૌથી મોટા એરપોર્ટ એવા રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત પણ પીએમ મોદીએ કર્યું હતું તેને રાષ્ટ્રને સમર્પિત કરશે. તેઓ KKV હોલ ખાતે નિર્માણ પામનાર ફ્લાય ઓવર બ્રીજનું પણ લોકાર્પણ કરવામાં છે. સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લિંક 3નું પણ પીએમ લોકાર્પણ કરશે.