રાજકોટ: 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની પણ જન્મ જયંતી છે, ત્યારે નરેન્દ્ર મોદી ખોડલધામ આવી (Pm modi khodaldham visit) ખોડિયાર માતાજીના આશીર્વાદ લઈ અને ધ્વજા ચડાવે તેવો તખ્તો ઘડાય રહ્યો છે. કારણ કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને બે ટ્રસ્ટી રમેશ ટીલાળા અને દિનેશ કુંભાણીએ દિલ્હીના દરબારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી (Khodaldham Team Delhi To Invite PM Modi) હોવાનું સામે આવ્યું છે.
શુભેચ્છા મુલાકાત ઃ આ મુલાકાતમાં ખોડલધામના આમંત્રણને લઈને કોઈ ચર્ચા ન થઈ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમજ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ખોડલધામના ટ્રસ્ટીઓ દ્વારા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખોડલધામ આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે જોવાનું એ રહ્યું કે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આમંત્રણને સ્વીકારે છે, કે નહીં અને ખોડલધામ પધારશે કે નહિ તે તો આવનાર સમયમાં જ બતાવશે.
ટ્રસ્ટીઓમાં મતમતાંતર ઃ ઉલ્લેખનીય છે કે આ અંગે ખોડલધામ સાથે સંકળાયેલ સૂત્રોએ એમ જણાવ્યું હતું કે, ભાજપના પાટીદા૨ નેતાઓએ વડાપ્રધાનને દર્શને આવવાની લાગણી દર્શાવી હતી અને તેના આધારે કેન્દ્રીય પ્રધાન મારફત આમંત્રણ પાઠવવા ટ્રસ્ટીઓને સંદેશો પાઠવવામાં આવ્યો હતો. વડાપ્રધાન ખોડલધામના દર્શને આવે તે હરખ-આનંદની વાત ગણાય પરંતુ આમંત્રણનું શું કરવું તેની ચર્ચાઓ ચાલતી હતી જેમાં ટ્રસ્ટીઓમાં પણ મતમતાંતર હોવાની વિગતો સામે આવી છે.
રાજકીય દૃષ્ટિકોણઃ ગુજરાત પ્રવાસમાં અનુકુળતાએ ખોડલધામની મુલાકાત ગોઠવાય અને ગમે ત્યારે વ્યવસ્થા થઈ શકશે તે પ્રકા૨નું આમંત્રણ-જવાબ આપવાની વિચા૨ણા ક૨વામાં આવી રહી હતી. અચાનક જ સમગ્ર સંભવિત કાર્યક્રમની વાત જાહેર થઈ જતા કેટલાંક ટ્રસ્ટીઓમાં પણ હાલ નારાજગી ઉભી થઈ છે, ત્યારે વડાપ્રધાનની મુલાકાત સામે કોઈ વાંધો કે નારાજગીનો કોઈ સવાલ નથી. પરંતુ ચૂંટણીનો માહોલ છે અને રાજકીય નેતાઓની મુલાકાતોને રાજકીય દૃષ્ટિકોણથી જ જોવામાં આવતી હોય છે.