રાજકોટના ધોરાજી શહેર જાણે વિકાસ કક્ષાની બહાર હોય તેવી સ્થિતિ સર્જાય છે. ધોરાજી શહેરમાં ભૂગર્ભ ગટરના કામો ચાલતા તે સમયે ધોરાજીના નગરજનો એ ચારથી પાંચ વર્ષ સુધી ભયંકર યાતનાઓ વેઠી હતી, અનેક આંદોલનો અને કાર્યક્રમો સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. રોડ રસ્તાને લઈને ધોરાજીમાં લોકોએ અનેક વખત તંત્ર સામે રજુઆત કર્યા છતા પણ કોઇ પગલા લેવામાં નથી આવ્યા. ઘણા વિસ્તારોમાં રોડ રસ્તાના કામો હાથ ધરવામાં આવ્યા નથી તેમ છતાં વર્ષો બાદ માંડ માંડ ધોરાજીના રોડ રસ્તા ડામરથી મઢાયા જેમાં સરદાર ચોકથી જમનાવડ રોડ સ્ટેશન રોડ જુનાગઢ રોડ સુધીના એકાદ કે દોઢ વર્ષ થયેલા રસ્તાઓ ડામરથી મઢાયેલા રસ્તાઓના ડામરો વરસાદ પડતા જ ધોવાઈ ગયા છે.
કોન્ટ્રાકટરોની કરામત લોકોની સામે ખુલ્લી પડી ગઇ છે. નબળા રોડ રસ્તા પાછળ જવાબદાર કોન્ટ્રાકટરો સામે પગલા ભરી ફરી સમારકામ હાથ ધરાઈ અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. શહેરના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે જેથી નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે. એવો જ એક કિસ્સો CCTVમાં કેદ થયો છે. એક વ્યકિત મોટરસાઈકલ પરથી સ્લીપ થતા તે રોડ પર પછડાયો હતો અને તે વ્યક્તિને પડતા ગંભીર ઈજા પહોંચી હતી. રસ્તાઓ લઈને ધોરાજીના આગેવાનોમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ધોરાજી શહેરની જનતાની સુખાકારી સુવિધાઓમાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.