- કારોબારી ચેરમેન વિરુદ્ધ કરવામાં આવી અરજી
- કારોબારી ચેરમેનને હોદ્દા પરથી દૂર કરવાની માગ
- તાલુકા વિકાસ અધિકારી દ્વારા પગલાં ન ભરાય તો ઉચ્ચ કક્ષાએ કરાશે રજૂઆત
રાજકોટ: જેતપુર તાલુકા પંચાયત એનકેન પ્રકારે ચર્ચામાં રહેતી હોવાનું સામે આવ્યું છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેતપુર તાલુકા પંચાયતની ચૂંટણી કોરોના કાળ દરમિયાન જ યોજવામાં આવી હતી. જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ ચૂંટાઈને આવી હતી અને જેતપુર તાલુકા પંચાયતના સંચાલનની જવાબદારી સંભાળવામાં આવી હતી, પરંતુ ચૂંટાયેલા મહિલા સભ્યોની જગ્યાએ તેમના પતિ કામગીરી કરતા વિવાદ સર્જાયો છે.
જેતપુર તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદરૂપી અરજી આપવામાં આવી
પેઢલાના રહેવાસી અને સામાજિક કાર્યકર મગનભાઈ વાલેરા દ્વારા જેતપુર તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદરૂપી અરજી આપવામાં આવી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે, પેઢલા ગામની તાલુકા પંચાયતની સીટ પરથી ભાવનાબેન ખૂંટ ચૂંટાઈ આવેલા હતા અને તેઓ હાલ જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં કારોબારી ચેરમેન પદ પર હોય તેમની જગ્યાએ તેમના પતિ દ્વારા કામગીરી કરતા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જેતપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
ચૂંટાયેલા મહિલા સભ્ય ઘેરહાજર અને તેમની જગ્યાએ તેમના પતિ હાજર!
પેઢલાના સામાજિક કાર્યકર અને અરજદાર મગનભાઈ વાલેરા દ્વારા વધુમાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો કારોબારી ચેરમેન ભાવનાબેન ખૂટ પોતાને મળેલા અને લોકોએ આપેલા હોદ્દાનો પોતે ઉપયોગ કરી શકતા ન હોય તો પોતે રાજીનામું આપી દેવું જોઈએ પણ પોતાના પતિને સત્તાનો દુરૂપયોગ કરતા અટકાવવા જોઈએ. સાથે જ અરજદારે મીડિયાને જણાવ્યું હતું કે, જો તાલુકા વિકાસ અધિકારી ગેરરીતિ અટકાવશે નહીં તો ઉપરી અધિકારીને પણ ફરિયાદ કરવામાં આવશે.
આ પણ વાંચો: બારડોલી તાલુકા પંચાયતમાં અંદાજીત 67 ટકા મતદાન