રાજકોટ: ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ધાર્મિક અને આયુર્વેદિક દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને અન્ય તેની પ્રોડક્ટ પણ ખુબ જ ગુણકારી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) દ્વારા ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તે માટે વિવિધ યોજનાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. સખીમંડળની બહેનો દ્વારા તૈયાર થતા માલને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે વિવિધ મેળાઓ પણ યોજવામાં આવે છે.
આ મૂર્તિ કેવી રીતે બને તે વિશે વાત કરીએ તો ગાયના છાણને થાપી તેને સુકવી દેવામાં આવે છે, ત્યાર બાદ તેને દળીને તેનો પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરમાં ગમગુવાર પાવડર, મુલતાની માટી તેમજ ગૌમૂત્ર, દૂધ, દહીં ભેળવી તેને ખાસ ડાઇમાં મૂકીને મૂર્તિ તૈયાર કરવામાં આવે છે.
આ મૂર્તિને ત્રણ-ચાર દિવસ માટે સુકવી ત્યાર બાદ તેના પર વિવિધ કલરકામ કરવામાં આવે છે. આમ એક પવિત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ થાય છે. પ્રારંભે તેની કિંમત આશરે 500 રૂપિયા જેટલી છે, પરંતુ જેમ ઉત્પાદન વધશે તેમ તેની કિંમતમાં ઘટાડો થશે. મૂર્તિ ઉપરાંત શો-પીસનું પણ ઉત્પાદન કરવામાં આવશે. આવનારા સમયમાં મૂર્તિ તેમજ અન્ય વસ્તુઓનું ઉત્પાદન તમામ તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવશે. આ વસ્તુઓનું વિવિધ સ્થળો, મેળા તેમજ ઓનલાઇન વેચાણ પણ કરવામાં આવશે.
આ મૂર્તિઓમાં ગાયના છાણનું ખાતર, જીવામૃત અને ધૂપમાં ઉપયોગ થાય છે. હવે તેમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના નિર્માણનો ઉમેરો થયો છે. આવનારા સમયમાં અગરબત્તી, ધૂપ સહીત ઘણી બધી વસ્તુઓ તૈયાર કરી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે.