રાજકોટ: ધોરાજી શહેરના રસુલપરા વિસ્તારની અંદર તારીખ 29 જુલાઇના રોજ મહોરમના તાજિયા ઉત્સવની અંદર જુલૂસ માટે તાજીયા લઈને નીકળેલા યુવાનોને વીજ શોક લાગ્યો હતો. આ ઘટના બનતા અનેક લોકો અકસ્માતનો ભોગ બનતા ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન બે યુવાનોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ બાબતે ધોરાજી-ઉપલેટા વિધાનસભાના ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલિયાએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને મૃતકો અને ઘાયલોને સહાય કરવાની માંગ સાથેનો પત્ર લખ્યો છે.
મળવાપાત્ર સહાય: ધારાસભ્ય ડો. મહેન્દ્ર પાડલિયાએ પત્રમાં જણાવ્યું છે કે, તારીખ 29-07-2023 ને શનિવાર ના રોજ ધોરાજી રાહેરના રસુલપરા ખાતે મહોરમના જુલુસમાં તાજીયા અકસ્માતે વીજ તારને અડતા બે વ્યક્તિના દુ:ખદ અવસાન થયેલ અને સાથે 23 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજા થયેલ હતી. આ તમામને પ્રથમ સિવિલ હોસ્પિટલ ધોરાજી સારવાર આપી ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં રીફર કરેલ હતા. જેમાં જુનેદ હનીફભાઈ માજોઠી અને સાજીદ જુમાભાઈ સંધીના અવસાન થયેલ છે. તો આ તમામને સરકારના ધારા ધોરણો મુજબ મુખ્યમંત્રી રીલીફ ફંડ માંથી મળવાપાત્ર સહાય આપવા પત્ર લખી વિનંતી છે.
બે વ્યક્તિઓના મોત: ધોરાજી શહેરમાં તાજીયા ઉત્સવ દરમિયાન અકસ્માત શોર્ટ લાગવાની ઘટનામાં અનેક લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ધોરાજીની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં આ અકસ્માત બનેલી ઘટના અંગેની જાણ થતા સ્થાનિક ધોરાજી પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી સાથે જ અકસ્માત બનેલી ઘટના અંગેની જાણ થતા હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ જેતપુર નાયબ પોલીસ અધિક્ષક, રાજકોટ જિલ્લા પોલીસ વડા, મામલતદાર, પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થાને અને હોસ્પિટલ ખાતે દોડી આવ્યા. રાજકોટના ધોરાજી શહેરમાં તાજીયા ઉત્સવમાં અકસ્માત બનેલી આ ઘટનામાં બે વ્યક્તિઓના મોત થતા હાલ ઉત્સવ માતમમાં ફેરવાઇ ચૂક્યો હોવાનું સામે આવ્યું હતું.