- રાજકોટમાં પત્ની અને પુત્ર પીડિત યુવાને કરી આત્મહત્યા
- અંતિમચિઠ્ઠીમાં પત્નીની ચાલ ચલગત સારી ન હોવાનું જણાવ્યું
- પત્ની અને પુત્ર માનસિક-શારિરીક ત્રાસ આપતા હોવાની વ્યથા ઠાલવી
રાજકોટ: શહેરમાં દિન-પ્રતિદિન આત્મહત્યાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધ અને પુત્રોના શારીરિક-માનસિક ત્રાસના કારણે મંગળવારે પીડીએમ કોલેજ સામેના ફાટક પાસે જયસુખભાઈ નામના યુવાને ટ્રેન નીચે જંપલાવીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: કોરોના થવાના ડરના કારણે રાજકોટમાં પરિણીતાની આત્મહત્યા
મારા છોકરાઓનું કૂકડા બનાવીને સરઘસ કાઢજો
મૃતક જયસુખભાઈ પાસેથી તેમણે આત્મહત્યા કરતા પહેલા લખેલી અંતિમચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં તેમણે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, મારી પત્ની અને છોકરાઓ મને ઢોર માર મારતા હતા. તેઓ મને સતત માનસિક અને શારિરીક ત્રાસ આપતા હતા. મારી પત્ની સાવરણી અને પ્લાસ્ટિકની પાઈપ લઈને મારતી હતી. પરિવારના સભ્યો દ્વારા છેલ્લા 5 દિવસથી ખાવાનું પણ નથી આપવામાં આવ્યું. મારા છોકરાઓને આજીવન કેદની સજા થાય તેવું ઈચ્છુ છું. મારી પત્નીની ચાલ ચલગત પણ સારી નથી. મારા છોકરાઓનું કૂકડા બનાવીને સરઘસ કાઢજો.
પોલીસે શરૂ કરી તપાસ
બનાવ સંદર્ભે સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યારબાદ મૃતક દ્વારા અંતિમચિઠ્ઠીમાં કરાયેલા આક્ષેપો અંગે તપાસ શરૂ કરી છે.