રાજકોટના માલવીયાનગર પોલીસ મથક વિસ્તારમાં હેઠળ રહેતા ભગવાનજી લક્ષમણજી રાઠોડ નામના આધેડે વર્ષ 2015માં એક સગીરનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચાર્યું હતું. જે મામલે પોલીસે તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ કોર્ટમાં આ મામલે કેસ ચાલી જતા આધેડને 10 વર્ષની સજા થઈ હતી. આ કેસમાં આધેડ એક વર્ષ અગાઉ જ હાઇકોર્ટેમાંથી જામીન પર છૂટયો હતો. ત્યારબાદ આધેડ દ્વારા મનમાં ખાર રાખીને જે સગીરાના કારણે તેને સજા થઈ હતી તેની શોધખોળ હાથધરી હતી. સગીરા હાલ પુખ્ત વયની થઈ ગઈ હોવાની જાણ આધેડને હતી ત્યારે તેને આ યુવતીને તેના ભાઈ અને પિતાને મારી નાખવાની ધમકી આપી ફરી તેનું અપહરણ કર્યું હતું.
આરોપીએ ફરી તે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ આધેડ યુવતીને પોતાના સંબંધીને ત્યાં મૂકીને ફરાર થઈ ગયો હતો. જેને લઈને યુવતી પોતાના ઘરે આવી ગઈ હતી અને આ વાત કોઈને જણાવી નહોતી. પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી ફરી આધેડ તેના ઘરની આસપાસ વિસ્તારમાં આંટાફેરા કરતા યુવતી ગભરાઈ હતી અને પોતાના પરિવારજોને આ મામલે વાત કરતા પરિજનો દ્વારા પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી. જેને લઈને પોલીસે આધેડની ધરપકડ કરી હતી.