રાજકોટ: ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિંહજી અને મહારાણી કુમુદ કુમારીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં મહંત સ્વામી, રાજાબાપા માતાના મઢ સહિતના સંતો, મહંતો અને દેશ-વિદેશના રાજવી પરિવારના રાજવીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો સહિતના લોકોએ ખબર અંતર પુછીને પ્રાર્થના કરી છે.
સાથે જ ગોંડલ સ્ટેટના રાજવી પરિવારના ખબર અંતર પુછવા માટે દેશભરના રજવાડાઓના રાજવીઓ, રાજકીય આગેવાનો, દેશવિદેશના ઉદ્યોગપતિઓ સહિતના લોકોએ મહારાજા સાહેબ અને મહારાણી સાહેબના ખબર અંતર પૂછી ચિંતા વ્યક્ત કરી છે.
ગોંડલના વર્તમાન યુવરાજ સાહેબ હિમાંશુસિંહજીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે ગોંડલના મહારાજા સાહેબ અને મહારાણી સાહેબનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે આ સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા બંગલાને ક્વોરેન્ટાઈન ઝોન અને ઓર્ચાડ પેલેસને બફર ઝોન જાહેર કર્યો છે. હાલમાં બંનેની તબિયત સારી છે.
ગોંડલ રાજવી પરિવારમાં કોરોના ફેલાવાની માહિતી મળતા જ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય મહંત સ્વામી, કચ્છ માતાના મઢના ગાદીપતિ રાજાબાવા, સરસઈ વિસાવદર ભૈરવદાદાની જગ્યાના મહંત, રામનાથ ધામ ગોંડલના ટ્રસ્ટી મંડળ સહિતના લોકો રાજવી પરિવારના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થનાઓ કરી છે. તો બીજી તરફ કચ્છ મહારાજા પ્રાગમલજી ત્રીજા, ઉદયસિંહજી જુબ્બલ સ્ટેટ-સીમલા, ભાવનગર મહારાજા વિજયરાજસિંહજી સાહેબ, મોરબી રાજ પરિવાર સહિતના દેશભરના અનેક રજવાડાના રાજવીઓ, ઉદ્યોગપતિઓ, દેશવિદેશના મહાનુભાવો કાર રેસરો, ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સહિતના અનેક લોકોએ રાજવી પરિવારના ખબર અંતર પૂછ્યા હતા.
આ સાથે ગોંડલ રાજવી પરિવાર વહેલી તકે કોરોના મુક્ત બને અને મહારાજા સાહેબ અને મહારાણી સાહેબ વહેલામાં વહેલી તકે સ્વસ્થ બને તે માટે ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, ઉપપ્રમુખ અર્પણાબેન આચાર્ય, શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા તેમજ નગરપાલિકા સદસ્યોએ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તથા દરબાર સાહેબ જીતેન્દ્રભાઇ ખાચરે પણ ગોંડલના રાજવી પરિવારના ખબર અંતર પૂછીને દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના કરી હોવાનું ગોંડલ રાજવી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે.