ગાંધીનગર: હાલ ગુજરાત હાઈકોર્ટમાં 1,70,963 જેટલા કેસ પેન્ડિંગ છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પેન્ડિંગ છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય (સ્વતંત્ર હવાલો) તેમજ સંસદીય બાબતોના રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે 19 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્યસભાને આ માહિતી આપી હતી.
ગૃહમાં રજૂ કરાયેલા મંત્રીના નિવેદન મુજબ, હાલ ભારતની સુપ્રીમ કોર્ટમાં કુલ 82,640 કેસ પેન્ડિંગ છે, જ્યારે દેશની વિવિધ હાઇકોર્ટમાં કુલ 61,80,878 કેસ પેન્ડિંગ કેસ છે અને દેશની જુદી-જુદી જિલ્લા તથા નીચલી અદાલતોમાં કુલ મળીને 4,62,34,646 કેસ હાલની તારીખે પેન્ડિંગ છે.
રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલેના નિવેદન અનુસાર, ગુજરાત હાઈકોર્ટમાં જજની કુલ મંજૂર કરાયેલી 52 માંથી 20 જગ્યા ખાલી પડી છે. જ્યારે ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતોમાં જજની કુલ મંજૂર કરાયેલી 1720 માંથી 535 જગ્યા ખાલી પડી છે. દેશની વિવિધ હાઈકોર્ટમાં જજની કુલ 1122 જગ્યા મંજૂર કરાયેલી છે, જેમાંથી 368 જગ્યા આજે પણ ખાલી છે.
આજની પરિસ્થિતિમાં દેશની વિવિધ જિલ્લા અને નીચલી અદાલતોમાં કુલ 25741 જજની સંખ્યા મંજૂર કરાયેલી છે જેની સામે 5262 જગ્યા હજી ખાલી છે. તેમના નિવેદન મુજબ, ભારતની સુપ્રીમ કોર્ટમાં જજની મંજૂર કરાયેલી કુલ 34 માંથી માત્ર એક જ જજની જગ્યા ખાલી છે.
આ પણ વાંચો: