રાજકોટ: જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ દયા સરિયાએ ત્રણ સાથી કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કર્યાની બાબત સામે આવી હતી. જેમાં અનેક આવેદન, નિવેદન અને પુરાવા સાથે રજુઆતને કારણે અંતે સાત દિવસ બાદ મહિલા કોન્સ્ટેબલને આત્મહત્યા કરવા મજબૂર કરવા બદલ એક કોન્સ્ટેબલ સામે ફરીયાદ નોંધાઇ હતી. આ બનાવમાં જ્યારે જ્ઞાતિના આગેવાનો ત્રણેય સામે ફરીયાદ નોંધવાની માંગ સાથે ભૂખ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી.
પરિવારની ન્યાયની માંગ: જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ દયાબેન સરિયાએ 6 સપ્ટેમ્બર 2023ના રોજ પોલીસ ક્વાર્ટરમાં આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ ત્રણ કોન્સ્ટેબલના ત્રાસના કારણે આપઘાત કરવા મજબૂર કરનારના નામ સાથેનું નિવેદન અને આવેદન બંને પોલીસને આપ્યું હતું. આ ઉપરાંત જ્ઞાતિના આગેવાનોએ પણ આવેદનો, મૌન રેલી, કેન્ડલ રેલી કાઢીને ન્યાયની માંગ કરી હતી. આ તપાસનીશ અધિકારી આરોપી કોન્સ્ટેબલોને છાવરી રહી હોવાના ગંભીર આક્ષેપ સાથે કોળી સેનાના પ્રમુખ જયેશજી ઠાકોરે એક પ્રેસ કોન્ફરન્સ કરી મૃતકની આરોપીઓ સાથે ચેટ જાહેર કરી હતી.
એક કોન્સ્ટેબલ સામે ફરિયાદ: મહિલા કોન્સ્ટેબલના આપઘાતની આગ ઠરે એમ નહિ લાગતા રાજકોટ જીલ્લા પોલીસ વડાએ મૃતકના માતા-પિતા, જ્ઞાતિના આગેવાનો તેમજ જેતપુરના ડી.વાય.એસ.પી, પી.આઇ.ને વડી કચેરીએ બોલાવ્યા હતા. જ્યાં લાંબી ચર્ચા વિચારણાના અંતે ત્રણમાંથી એક કોન્સ્ટેબલ સામે ફરીયાદ નોંધવાનો પોલીસે નિર્ણય લીધો હતો. પરિવારજનોની ત્રણેય સામે ફરીયાદ નોંધવાની માંગ હતી. જેમાં અંતે એક સામે ફરીયાદ નોંધી તપાસમાં બાકીના બે કે બીજા કોઈના નામ ખુલે તેની સામે પણ ગુનો નોંધવાની પોલીસે વાત કરી હતી. જેમાં મૃતક કોન્સ્ટબલના માતા પિતાએ પોતાની સહમતિ દર્શાવી હતી.
સાથી કોન્સ્ટેબલ દ્વારા હેરાનગતિ: પરિવારે સહમતી દર્શાવતા જેતપુર પોલીસે ત્યાં જ મૃતક દયાબેનના પિતા શંભુભાઈ સરિયાનું નિવેદન નોંધી અભયરાજસિંહ નામના કોન્સ્ટેબલ કે જે પરિણીત હોવા છતાં દયાબેનને મેસેજ કરી માનસિક ટોર્ચર કરી હેરાન કરતા હતા કે તું બીજા પોલીસવાળા સાથે બોલતી નહિ, મનદીપ અને વિપુલને કેમ બોલાવે છે, તેમ કહી હેરાન કરતો. આવા મેસેજ અને વર્તનથી મૃતક કંટાળી ગયેલ અને અભયરાજસિંહ તેણીને બદનામ કરવાની પણ ધમકી આપતો હતો. આપઘાત કરતા પૂર્વે મૃતકે ગળામાં ફાંસો નાખેલ ફોટાની સેલ્ફી લઈ આરોપીને મોકલેલ છતાં તે વિશે કોઇ ધ્યાન ન આપતાં દયાબેને પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો.
બે કોન્સ્ટેબલને બચાવવાનો આક્ષેપ: મૃતકના પિતા શંભુભાઈની ફરીયાદ પરથી કોન્સ્ટેબલ અભયરાજસિંહ સામે આઇપીસી 306 કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઈ છે. આ મામલામાં પોલીસે હજુ બે કોન્સ્ટેબલને આપઘાતના બનાવમાં બચાવી રહી હોવાનો હજુ પણ ગંભીર આક્ષેપ કરી આ બંને સામે પણ ગુનો નોંધો અને ત્યાં સુધી બંનેની બદલી કરવાની માંગ સાથે જ્ઞાતિના આગેવાનો મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરવાની જાહેરાત કરી હતી.
તપાસ અન્ય પોલીસને સોંપાઈ: આ મામલે જેતપુર સીટી પોલીસ પી.આઈ. એ.એમ. હેરમાં તપાસ ચલાવી રહ્યા હતા. જોકે હાલ આ તપાસને ગોંડલ સિટી પી.આઈ. એ. સી. ડામોરને સોંપી દેવામાં આવી છે. આ તપાસને સ્થાનિક પોલીસ પાસેથી લઈને અન્ય પોલીસને સોંપવામાં આવતા હજુ પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે હાલ આ મામલે પોલીસ દ્વારા જેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમની અટકાયત નથી કરી તેવું પણ સામે આવ્યું છે.