રાજકોટ: જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં ત્રણ પોલીસના ત્રાસને કારણે આપઘાત કર્યાનું તેણીના પિતાના નિવેદન બાદ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાએ ડી.વાય.એસ.પી. સાથે બેઠક કરી તટસ્થ તપાસ માટે સૂચના આપી હતી અને જરૂર પડી તો પોલીસની અન્ય એજન્સીને તપાસ આપવાનું જણાવ્યું હતું. જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી દયાબેન શંભુભાઈ સરીયા નામની મહિલા કોન્સ્ટેબલના આપઘાતના બનાવમાં તેણીના પિતાએ ત્રણ સાથી પોલીસના ત્રાસના કારણે આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો.
'બનાવના દિવસે પોલીસમાંથી ફોન આવેલ કે તમારી દીકરીનું બીપી લો થઈ ગયું છે જેતપુર આવો અને તેની મમ્મીને સાથે ન લાવતાં. આપઘાતની વાત અમારાથી પોલીસે છુપાવી. પોલીસે આવા ગંભીર બનાવમાં પોલીસ કાર્યવાહી, પી.એમ. વગેરે તરત જ આટોપી લીધું જે પોલીસની તપાસ બાબતે શંકા પ્રેરે છે. થોડા દિવસ પૂર્વે દયાબેનને બસ સ્ટેન્ડમાં જાહેરમાં એક પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝઘડો થતા તેણીએ 100 નંબર પર કોલ કરી પોલીસ બોલાવેલ હતી. ત્રણ પોલીસ કોન્સ્ટેબલનો એટલો ત્રાસ હતો કે ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. તેણીએ આપઘાત કરતા પૂર્વે કોન્સ્ટેબલો સાથે ચેટ કરી અને તેના ફોટા પણ મોકલી પોતે આપઘાત કરવા જઈ રહી છે તેની કોન્સ્ટેબલને જાણ કરી હતી.' - શંભુભાઈ,મહિલા કોન્સ્ટેબલના પિતા
કોન્સ્ટેબલના ત્રાસને કારણે આપઘાતનું આવેદનપત્ર આપ્યું: મૃતક દયાબેનના મામા મનસુખભાઇ ઝાલાએ જણાવેલ કે, 'તેઓએ પરીવાર અને જ્ઞાતિ આગેવાનો સાથે એસપી તેમજ જેતપુર પોલીસને ત્રણ પોલીસ કોન્સ્ટેબલના ત્રાસને કારણે દયાબેને આપઘાત કર્યો હોવાનું આવેદનપત્ર આપેલ છે. દયાબેન કોળી જ્ઞાતિના હોય અને જસદણના શિવરાજપુર ગામના વતની હોવાથી કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયા જેતપુર આવેલ હતાં. તેઓએ ડી.વાય.એસ.પી. રોહિતસિંહ ડોડીયા તેમજ સીટી પી.આઇ. અજીતસિંહ હેરમા સાથે જેતપુર સર્કિટ હાઉસ ખાતે કોળી સમાજના આગેવાનો દયાબેનના પિતાની હાજરીમાં એક બેઠક યોજી હતી.
દોષિતોને છોડવામાં નહિ આવે: આ અંગે કેબિનેટ પ્રધાને જણાવેલ કે, 'આપઘાતના બનાવમાં કોઈ દોષિતોને છોડવામાં નહિ આવે અને જો પોલીસની તપાસ યોગ્ય નહીં લાગે તો બે ત્રણ દિવસમાં અન્ય એજન્સી પાસે તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકની અંદર ચકચાર મચી ગઈ છે. આ આપઘાતનું કારણ ત્રણ સાથી પોલીસકર્મીઓ હોવાનું પરિવારને માલુમ પડતા સમગ્ર બાબતે પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી છે.