રાજકોટ: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાતના 10 જિલ્લાના પ્રમુખોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય અને લડાયક નેતા તરીકે જાણીતા એવા લલિત વસોયાની તાજેતરમાં રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી છે. જેમાં રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ લલિત વસોયાએ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે પ્રમુખ પદ સંભાળ્યા બાદ આગામી દિવસોમાં કરવામાં આવતી કામગીરીઓ અંગે માહિતીઓ આપી છે.
રાજકોટમાં કોંગ્રેસ પાર્ટીની પરિસ્થિતિ બહુ નબળી - લલિત વસોયા
લલિત વસોયાએ જણાવ્યું છે કે, 'રાજકોટ જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટીની પરિસ્થિતિ બહુ નબળી છે તે હકીકત છે. આગામી દિવસોની અંદર બુથ લેવલ સુધીનું સંગઠન બનાવી અને ભારતીય જનતા પાર્ટી સામે તાકાત અને ઝુનુનથી લડાઈ કરવાના છીએ એ માટેનું આ પદ સંભાળ્યું છે. રાજકોટ જિલ્લાના તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે રહીને લડત આપવાના છીએ.
કોંગ્રેસ એની રણનીતિમાં નિષ્ફળ રહી - લલિત વસોયા
તાજેતરમાં વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની કરારી હાર થઈ છે એ બાબતે લલિત વસોયા જણાવે છે કે, ક્યાંકને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એની રણનીતિમાં નિષ્ફળ રહી છે. ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે કે આમ આદમી પાર્ટીએ આખા સૌરાષ્ટ્રમાં ચૂંટણી લડી છે અને કોંગ્રેસ પાર્ટીના કમિટેડ મત કાપ્યા છે. આ વખતે પરિસ્થિતિ અલગ હશે. જેમાં આમ આદમી પાર્ટીના ખોટા વાયદા વચન તેમજ ભારતીય જનતા પાર્ટીના ખોટા વાયદા વચનથી લોકો અવગત છે. જે બાબતમાં આગામી 2024ની લોકસભાની ચૂંટણીની અંદર તેમજ આગામી દિવસોની અંદર જે પણ ચૂંટણી આવશે તેની અંદર કોંગ્રેસ પાર્ટી અને તાકાત ઊભી કરી અને તાકાતથી લડશે અને લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટેનો પ્રયત્ન કરશે. જેમાં ઘણી વખત હાર અને જીત થતી હોય છે પરંતુ લોકોનું દિલ જીતવા માટે કોંગ્રેસના કાર્યકર્તાઓ પ્રયત્ન કરતા હોય છે અને આમાં પણ અમને સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરી છે.
કોંગ્રેસ દ્વારા લોકસભા 2024ની કેવી તૈયારીઓ ?
ચૂંટણી પહેલા એક મહિનાની અંદર આખા રાજકોટ જિલ્લાની અંદર સંગઠનનું માળખું બુથ લેવલ સુધી તૈયાર કરી દેવાના છીએ. સંગઠનનું માળખું ગ્રામ્ય ક્ષેત્રથી લઈ નગરપાલિકા વિસ્તાર સુધી મજબૂત બનાવવાના છીએ. તાલુકા પંચાયતના બેઠકોમાં દરેક વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવશે અને સાથે તેમની ટીમ પણ તેમની સાથે કામ કરશે. જેમાં તેમનું કામ સારું હશે અને લોકોમાં તેમનો વિશ્વાસ બંધાશે તો તેના સારા કાર્ય અને કામને કારણે તેમને ટિકિટ આપવા માટેની ખાતરી લલિત વસોયા અપાવશે તેવું જણાવ્યું છે. આ સાથે જ જેમને જવાબદારી સોંપવામાં આવી છે તે પોતાનું કામ યોગ્ય રીતે નહીં કરે તો તેમને દૂર પણ કરી દેવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીની પ્રેશર ટેકનિકને લઈને ખુલાસો:
લલિત વસોયાએ જણાવ્યું ભારતીય જનતા પાર્ટીની પ્રેશર ટેકનિક એટલે કે સીબીઆઇના કે અન્ય માધ્યમથી આગેવાનોને દબાવી, ધમકાવી, ડરાવી, પોલીસ તંત્રનો દૂર ઉપયોગ કરી અને સૌરાષ્ટ્રની અંદર દાખલાઓ પણ છે જેમાં કોંગ્રેસના ધારાસભ્યોને ખોટા કેસોની અંદર ફીટ કરી અને કુંવરજી બાવળીયા હોય જેમાં 302નો કેસ હોય, પરષોત્તમ શાબરિયા પર લાંચનો કેસ હોય જેમાં જેલમાં જવું પડે છે. ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે ત્યારે કે સૌના નિવેડાઓ પણ આવી જતા હોય છે જે લોકોએ જોયું છે.
કોંગ્રેસમાં પડી રહેલા રાજીનામાને લઈને શું કહ્યું ?
કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ, ધારાસભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે જે બાબતે લલિત વસોયા જણાવ્યું હતું કે, આખા દેશની અંદર સત્તાલક્ષી રાજકારણ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળ હોય, હિમાચલ પ્રદેશ હોય, કર્ણાટક હોય કે સાઉથના કોઈપણ રાજ્ય હોય, તાજેતરની અંદર સાઉથના રાજ્યની અંદર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ આગેવાનો મંત્રી પદોથી પરથી રાજીનામા આપી અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. જેથી આખા દેશની અંદર સત્તાધારી પાર્ટીનું રાજકારણ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે લલિત વસોયાએ લોકસભાની ચૂંટણીમાં સારામાં સારો દેખાવ અને સો ટકા એમાં સફળતા મળશે તેવી આશા વ્યક્ત કરી છે.