રાજકોટ : ભારતીય રેલવે વિભાગના ભાવનગર ડિવિઝનમાં ચાલતી પોરબંદર-સોમનાથ, ભાવનગર-જેતલસર અને જેતલસર-ભાવનગર ટ્રેનના રુટમાં ફેરફાર કર્યો હોવાનું રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદરથી સોમનાથ જતી ટ્રેનના રૂટને ડાયવર્ટ કરીને પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેન કરી નાખવામાં આવી છે. આ સાથે જ ભાવનગર-જેતલસર તેમજ જેતલસર-ભાવનગર રૂટ પર ચાલતી બે ટ્રેનમાંથી એક ટ્રેનને ભાવનગરથી પોરબંદર સુધી લંબાવવામાં આવી છે. જ્યારે અન્ય એક ભાવનગર-જેતલસર ટ્રેનને ભાવનગરથી વેરાવળ સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ ગ્રામ્ય મુસાફરોને લાભ : પશ્ચિમ રેલવે ભાવનગર રેલવે ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુસાફરોની સુવિધા માટે, રેલ્વે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનની ટ્રેન નંબર 09568/09565 ભાવનગર-જેતલસર ટ્રેનને પોરબંદર અને ટ્રેન નંબર 09566/09567 ભાવનગર-જેતલસર ટ્રેનને વેરાવળ સુધી વિસ્તાર કરવા માટે તેમજ ટ્રેન નંબર 19207/19208 પોરબંદર-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનને રાજકોટ વાયા જેતલસર જંકશન ટ્રેનને ડાયવર્ટ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ તમામ ટ્રેનો આગામી 16 ડિસેમ્બર, 2023 (શનિવાર) થી પ્રભાવિત થશે. આ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે.
ભાવનગર-વેરાવળ ટ્રેન : ટ્રેન નંબર 09566 ભાવનગર-વેરાવળ દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ સવારે 04:40 કલાકે ઉપડશે અને તે જ દિવસે 11:30 કલાકે વેરાવળ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 09567 વેરાવળ-ભાવનગર દૈનિક ટ્રેન વેરાવળથી દરરોજ બપોરે 02:40 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ રાત્રે 10:05 કલાકે પહોંચશે. આ ટ્રેન જેતલસર અને વેરાવળ વચ્ચે બંને દિશામાં જૂનાગઢ, કેશોદ, માળીયા હાટીના અને ચોરવાડ રોડ સ્ટેશન પર ઉભી રહેશે.
પોરબંદર-ભાવનગર ટ્રેનનો સમય : ટ્રેન નંબર 09565 પોરબંદર-ભાવનગર ટ્રેન પોરબંદરથી દરરોજ સવારે 07:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 02:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. પરત દિશામાં, ટ્રેન નંબર 09568 ભાવનગર-પોરબંદર દૈનિક ટ્રેન ભાવનગર ટર્મિનસથી દરરોજ બપોરે 3:00 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 10:10 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જેતલસર અને પોરબંદર વચ્ચે બંને દિશામાં વાંસજાળીયા, જામજોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા અને ધોરાજી સ્ટેશને ઉભી રહેશે.
પોરબંદર-રાજકોટ દેનિક એક્સપ્રેસ : ટ્રેન નં. 19207 પોરબંદર-રાજકોટ દૈનિક એક્સપ્રેસ પોરબંદરથી દરરોજ સવારે 05:45 કલાકે ઉપડશે અને સવારે 10:30 કલાકે રાજકોટ પહોંચશે. પરત દિશામાં ટ્રેન નંબર 19208 રાજકોટ-પોરબંદર દૈનિક એક્સપ્રેસ દરરોજ રાજકોટથી સાંજે 04:10 કલાકે ઉપડશે અને રાત્રે 09:20 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન પોરબંદર અને રાજકોટ વચ્ચે બંને દિશામાં રાણાવાવ, તરસાઈ, વાંસજાળીયા, કાટકોલા, બાલવા, જામજોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, સુપેડી, ધોરાજી, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોંડલ અને ભક્તિનગર સ્ટેશન પર ઉભી રહેશે.
લોકલ ટ્રેન સેવાનો અભાવ : જેતલસર જંકશનથી લઈને વાંસજાળિયા જંકશનના રેલવે રૂટ પર વર્ષો પહેલા કરોડો રૂપિયાના ખર્ચે મીટર ગેજ રેલવે લાઈનમાંથી બ્રોડગેજનું પરિવર્તન થયું છે. ત્યારે આ રૂટ ઉપર છેલ્લા ઘણા સમયથી રેલવે સુવિધા માટેની અનેક પ્રકારની માગણી, રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ જે પરિવર્તન થયાના દસ વર્ષ બાદ પણ હજુ આ પ્રકારની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો નથી. જેથી લોકોમાં સુવિધાને લઈને હજુ પણ નારાજગી યથાવત જોવા મળી રહી છે. કારણ કે આ રૂટ ઉપર એક પણ લોકલ ટ્રેન ચાલતી નથી ઉપરાંત લાંબા અંતરની અનેક ટ્રેનો શરૂ કરવાની વર્ષોથી માંગ છે.
વર્ષો જૂની માંગનું શું થયું ? અહીયાં આજે પણ લાંબા અંતરની એક માત્ર ટ્રેન ચાલે છે, એ પણ સાપ્તાહિક ટ્રેન. આ ઉપરાંત આ રૂટ ઉપર એક પણ માંગણી મુજબની ટ્રેન ચાલતી નથી કે આ વિસ્તારના પ્રજાના પ્રતિનિધિ, રાજનેતાઓ અંગત રસ ન લેતા હોય તેવું આ રૂટના મુસાફરો વર્ષોથી જણાવે છે. ત્યારે અહીંના મુસાફરો માટે હજુ પણ મુસાફરી માટે લાંબા અંતરની ટ્રેનની માંગણી સાથેનો પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે.