રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જય શાહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ અગાઉ પણ ત્રણ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં રમાઈ ગયા છે. તેમાં પણ એક મેચમાં બંને ટીમો દ્વારા 300 કરતા વધુ રનો બનાવ્યા હતા. આગામી 27 સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આ ચોથો મેચ યોજાશે. જ્યારે મેચને લઈને પણ SCA દ્વારા પણ એ જ પ્રકારની તૈયારી કરવામાં આવી છે કે, સૌથી વધારે હાઈ સ્કોરિંગ મેચ રાજકોટનો બની રહે અને કોમ્પિટીટીવ બની રહે. રાજકોટમાં રમાનાર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ખૂબ જ મહત્વનો રહેશે. કારણ કે આ છેલ્લો આંતરિક રાષ્ટ્રીય મેચ હશે. ત્યારબાદ ઇન્ડિયન ટીમ વર્લ્ડ કપ રમવા માટે બહાર જશે. જેના માટે આ મેચ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
મેચને લઈને તમામ પ્રકારની તૈયારીઓ અમે શરૂ કરી છે. જેમાં સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવતા દર્શકોને મુશ્કેલીઓ ન પડે તે પ્રકારની બેઠક વ્યવસ્થા રાખવામાં આવશે. જ્યારે ગઈકાલે 17 તારીખથી ઓનલાઇન મેચની ટિકિટનું વેચાણ શરૂ થયું છે અને આગામી 21 તારીખથી ઓફલાઈન વેચવાનું શરૂ થશે. 1500થી લઈને 10,000 સુધીનો ટિકિટનો ભાવ જોવા મળશે. આ સાથે જ રાજકોટને આ મેચ મળ્યો છે, તેના માટે રાજકોટ વાસીઓમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે હવે ગણતરીના દિવસો બાકી હોય તેને લઈને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા પણ આંતરરાષ્ટ્રીય મેચને લઈને જોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. - જય શાહ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ
આ હોટલમાં કરશે રોકાણ : આગામી 25 સપ્ટેમ્બરના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ ખાતે આવી પહોંચશે. જ્યારે ભારતીય ટીમ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા સૈયાજી હોટલ ખાતે રોકાય તેવી શક્યતાઓ છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ 150 ફૂટ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલ ખાતે રોકાશે. તેમજ 26 સપ્ટેમ્બરના રોજ બંને ટીમ નેટ પ્રેક્ટિસ માટે સ્ટેડિયમ ખાતે જશે અને ત્યારબાદ આગામી 27 સપ્ટેમ્બરના રોજ આ મેચ રમનાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર મેચ બપોરે 1:30 વાગ્યાની આસપાસ શરૂ થશે. જેને લઈને સ્ટેડિયમમાં દર્શકોને 11 વાગ્યાથી જ એન્ટ્રી આપવામાં આવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આંતરરાષ્ટ્રીય મેચને લઈને રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં લોકો મેચની મજા માણવા પણ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.