રાજકોટ: ઉપલેટા શહેરમાં આવેલી સરકારી કોટેજ હોસ્પિટલમાં નવજાત શિશુ સારવાર કેન્દ્રનું કામ ચાલી રહ્યું હતું. આ કાર્ય પૂર્ણ થઈ જતાં નવજાત શિશુ સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ યુનિટમાં તાજા જન્મેલા બાળકો તેમજ નવજાત બાળકોને અનેક પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે 10 બેડનું યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.
નવજાત શિશુની સારવાર માટે યુનિટનું લોકાર્પણ: ઉપલેટા સિવિલ હોસ્પિટલની અંદર તાજા જન્મેલા બાળકો તેમજ અન્ય નવજાત બાળકોને જ્યારે જન્મતાની સાથે સારવાર લેવાની ખાસ જરૂર પડે છે ત્યારે બાળકને મોટા શહેરો કે મોટી હોસ્પિટલમાં શિફ્ટ કરી સારવાર માટે ખસેડવું પડે છે. આ બાબતને ધ્યાનમાં લઈને બાળકોને ક્યાંય બીજે લઈ જવાને બદલે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં જ સુવિધાઓ મળે તેવા હેતુસર 10 બેડના યુનિટ કાર્યરત કરવામાં આવ્યું છે.
બાળકના જન્મ બાદ ઘણા બાળકોને શ્વાસની તકલીફ, ફેફસાની તકલીફ કે પછી કાચની પેટીમાં રાખવાની જરૂર પડે છે ત્યારે તેમને અન્ય શહેર કે મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરવું પડે છે. જેથી આ ઉપલેટા સિવિલ હોસ્પિટલની અંદર જ આ સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં અંદાજે 48 લાખ રૂપિયા જેવો ખર્ચ થયો છે. હવે જિલ્લા વિસ્તારમાં મળતી સેવાઓ તાલુકા વિસ્તારની અંદર ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મળશે. ઉપરાંત આગામી સમયમાં બાળકોને વધુ સારી સારવાર અને સુવિધાઓ કેમ મળે તે માટે પ્રયત્ન શરૂ રહેશે. - ડો. ખ્યાતિ કેશવાલા (અધિક્ષક, ઉપલેટા સિવિલ હોસ્પિટલ)
ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા આ યુનિટમાં બાળકને કાચની પેટીમાં રાખવા, વેન્ટિલેટરની સુવિધા ઉપરાંત તાજા જન્મેલા બાળકને જ્યારે અન્ય કોઈ સારવાર કે સુવિધાઓની જરૂર હોય તે તમામ સુવિધાઓની સારવાર ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં મળી રહેશે.