ચોરડી ગામના રહેવાસી પ્રવીણ હદવાણીની પુત્રી મિતાલી હદવાણીની કંકોત્રીને પક્ષીઓના ઘરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વાત કંઇક આવી હતી કે, હદવાણી પરિવાર કાગવડ ખોડલધામ માતાજીના દર્શન કરવા જઈ રહ્યો હતો. પ્રવીણના બંને પુત્રો હાર્દિક અને રાજ હદવાણીને રસ્તા પર ચકલીના માળા જોઈ મનમાં દ્રઢ વિચાર આવ્યો કે, બહેનના મેરેજમાં આપણે ચકલીના માળા સ્વરૂપે કંકોત્રી બનાવી આજની યુવા પેઢીને એક નવો સંદેશ આપીએ.
આ વિચાર તેમને પરિવાર સમક્ષ રજૂ કરતાં સર્વે આ વિચારને આવકારી 500થી વધુ પ્લાયવુડની કંકોત્રી બનાવી સગા સંબંધીઓને આપવામાં આવી હતી. આ કંકોત્રી હદવાણી પરિવારે પુત્રીના પ્રસંગોની વિગતોની સાથે દર્દ ભરી અપીલ અને સૂચના પણ લખી હતી. ચકલીને લુપ્ત થતી અટકાવવા એના તરફ પણ સંવર્ધન અને માળાના સ્થાનોની (ચકલીનો માળો) પૂરી કરવાની તાતી જરૂર છે. પ્રવીણ હદવાણી જ્યારે તેમના પ્રિયજનોને સગા-સંબંધીઓને કંકોત્રી આપવા નીકળ્યા ત્યારે સૌ કોઈ પ્લાયવુડની ચકલીના માળાવાળી કંકોત્રી જોઈ અને આશ્ચર્ય ચકિત થઈ ગયા. સૌ કોઈ આ પ્લાયવુડની કંકોત્રીને પોતાના ઘરની બહાર બાંધવાનો સંકલ્પ કર્યો હતો.
પક્ષી પ્રેમી હિતેશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ પર્યાવરણ પ્રકૃતિ પક્ષી પ્રાણી અને તમામ જીવ માત્રની ખૂબ ચિંતા કરે છે. લોકો અવારનવાર એમ કહે છે કે, ચકલીઓ ઓછી થઈ ગઈ પક્ષીઓ ઓછા થઈ ગયા તેમજ લુપ્ત થવાના આરે છે. છેલ્લા થોડા વર્ષોમાં નળિયાંના મકાનમાંથી હવે એસી.મકાનમાં આવી ગયા અને પક્ષીઓને માળો બનાવવાની કોઈ પણ સુવિધા આપણા મકાનમાં આપણે આપી નથી. પરતું તેઓનું કહેવું છે કે, પક્ષીઓ લુપ્ત નથી થયા પણ આપણાથી દુર થઈ ગયા છે. ચકલી પોપટ કાબર વગેરે પક્ષીઓ ઝાડ પર માળો નથી બનાવતાએ બખોલમાં કે ઘરના આંગણામાં કે છજા ઉપર માળો બનાવે છે.