રાજકોટઃ પૂર્વ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રૈયાણી મોરબી રોડ પર આવેલા એક રાહત કેમ્પના રસોઈઘરમાં જાહેરમાં થુંક્યાં હોવાનો વીડિયો શહેરભરમાં સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો હતો. જેને લઈને અનેક સવાલો ઉભા થયા હતા.
અરવિંદ રૈયાણી દ્વારા સર્કિટ હાઉસ ખાતે આ અંગે પત્રકાર પરિષદ બોલાવી પોતે કોઈપણ જાતનો મસાલો ખાઈને થુંક્યાં ન હોતા તેવું નિવેદન કર્યું હતું અને મહાનગરપાલિકામાં જાહેરમાં થુંકવા અંગેનો રૂપિયા 500નો દંડ પણ ભર્યો હતો.
જે દંડની પહોંચ પણ રૈયાણીએ પત્રકાર પરિષદમાં જાહેર કરી હતી અને સાથે જ જણાવ્યું હતું કે, હવેથી હું આ પ્રકારની ભૂલ નહીં કરું, ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર દેશમાં હાલ કોરોના વાઇરસની મહામારી ફેલાઈ છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર આ કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે દિશામાં સત્તત પગલાં લઈ રહી છે.
એવામાં ભાજપના જ ધારાસભ્ય જાહેરમાં થુંકીને ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યાં જોવા મળ્યાં હતાં. બીજી તરફ અરવિંદ રૈયાણી જ્યારથી ધારાસભ્ય બન્યા છે, ત્યારથી એકમેક પ્રકારે ઘણા વિવાદોમાં આવી રહ્યાં છે.