રાજકોટ : કહેવાય છે કે, શોખ બહુ મોટી વસ્તુ છે. એ કહેવતને બનાસકાંઠાના થરાદ જિલ્લાના દિપસિંહ રાઠોડે સાર્થક કરીને બતાવી છે. દિપસિંહે પોતાની પાસે રહેલી સાયકલમાં GPS સિસ્ટમ, સેન્સર, LED લાઈટ, પંખો, મ્યુઝિયમ સિસ્ટમ, તેમજ ઇન્વટર લગાડ્યું છે. સાઇકલમાં અંદાજીત રૂ.1 લાખથી વધુની અલગ અલગ સિસ્ટમ લગાડવામાં આવી છે.
આ અંગે ઈટીવી ભારતે દિપસિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આપણે જ્યારે બસમાં અથવા પ્રાઇવેટ વાહનોમાં પ્રવાસ કરીએ છીએ, ત્યારે તેમાં જ્યાં બસ ઉભી રહે ત્યાં ઉભું રહેવાનું અને જ્યારે બસ ચાલે ત્યારે તેમાં જવાનું આ સાથે જ બસ અને પ્રાઇવેટ વાહનોમાં પ્રવાસ કરવાનો ખર્ચો પણ ખૂબ જ થાય છે. જેને કારણે મેં આ સાઇકલ બનાવી છે અને મને જ્યારે બહાર જવાનું અથવા યાત્રા કરવાની ઈચ્છા થાય ત્યારે હું આ સાયકલ લઈને નીકળી પડું છે. મને જ્યાં સારું લાગે અને જમવાનું મળે ત્યાં રોકાઈ જઉ છું. આ સાઇકલ લઈને મેં ભારતના અલગ અલગ શહેરોનો પણ પ્રવાસ કર્યો છે, એટલે કે 15 હજાર કરતા વધારે કિલોમીટર આ સાઇકલ ફરી ગઈ છે.
હાલ પણ હું બનાસકાંઠાથી દ્વારકાના દર્શને સાઇકલ લઈને ગયો હતો. પરંતુ દર્શન કરીને પરત ફરતા દેશમાં કોરોનાની મહામારી સર્જાઈ અને લોકડાઉન જાહેર થઈ ગયું એટલે હાલ હું રાજકોટમાં રોકાયો છું. જ્યારે સંપૂર્ણ લોકડાઉન ખુલશે પછી જ હું રાજકોટથી અન્ય સ્થળે પ્રવાસ માટે નીકળીશ. ઉલ્લેખનીય છે કે, દિપસિંહે તમામ સિસ્ટમ પોતાની સાઇકલમાં લગાડી છે. જે હાલ રાજકોટમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.