રાજકોટ : મનપા દ્વારા તાજેતરમાં ભરતી માટે એક નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સહાયક કમિશ્નરની જગ્યા માટે માત્ર મેનેજર, વોર્ડ ઓફીસર અને ઓફીસ સુપ્રિટેન્ડેન્ટ જ અરજી કરી શકશે. તેમજ જ્યારે આ નિયત કરેલ લાયકાત ધરાવતા જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ કલાર્ક, કોમ્યુનીટી ઓર્ગેનાઇઝર, જન્મ મરણ નોંધણી વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, સેનીટેશન ઓફીસર, લો ઓફીસર, લેબર ઓફીસર, ડેપ્યુટી ઇજનેર, એડીશનલ આસિસ્ટન્ટ ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર સહિતની અન્ય કેડરના કર્મચારીઓ અરજી કરી પણ ન શકે તેવી વાત છે.
આ કારણોસર વિવાદ સર્જાયો : જ્યારે ડેપ્યુટી કમિશનરની જગ્યા માટે ફક્ત સહાયક કમિશ્નર અને મેનેજર જ અરજી કરી શકે. પરંતુ આ જગ્યાની નવી લાયકાત નક્કી કર્યા મુજબ વર્ગ-1 ના કોઇપણ અધિકારી અરજી કરી ન શકે તેવી જ રીતે વર્ગ -2 માં ડેપ્યુટી ઇજનેર સહિત અન્ય કેડરના લાયકાત ધરાવતા અધિકારીઓ અરજી પણ ન કરી શકે તેવી અન્યાર્થી નીતિ નક્કી કરાયેલ છે. ત્યારે આ મામલે વિવાદ સર્જાયો છે.
અમારી માંગણી મામલે અગાઉ રજૂઆત કરી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે આજે રામધૂન બોલાવી હતી. અમારા કર્મચારીઓ સાથે જે અન્યાય થયો છે. તે મામલે અનેક વાર મિટિંગ પણ થઈ છે અને જેનો સારો એવો પ્રત્યુત્તર પણ મળ્યો છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારા વર્ગ 3માં ઘણા બધા કર્મચારીઓ ડોકટર, એન્જિનિયરની ડીગ્રી ધરાવે છે અને બધા નવી ભરતી થયેલા છે. છતાં પણ તેમની સાથે અન્યાય થઇ રહ્યો છે. જેને લઇને અમે આ મામલે હવે આંદોલનના માર્ગે જવાના છીએ. જ્યારે ભરતી સિવાયના પણ ઘણા બધા મુદ્દાઓ છે. - કર્મચારી પરિષદના ઉપાધ્યક્ષ વિ.બી. જાડેજા
ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો : સમગ્ર મામલે કર્મચારી પરિષદના હોદ્દેદારો મનપા કમિશનરને રજૂઆત માટે પહોંચ્યા હતા. જ્યાં મનપા કમિશનર અને કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મનપા કમિશનર આનંદ પટેલે કર્મચારીઓને પોતાની રજૂઆત માટે જણાવવાનું કહ્યું હતું. પરંતુ કર્મચારીઓ સાથે વિજિલન્સ શાખા દ્વારા જે પ્રકારે ઉગ્ર વર્તન કરવામાં આવ્યું હતું, તે મામલે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જેના કારણે જે મુખ્ય માંગણી હતી તેના બદલે કર્મચારીઓ દ્વારા વિજિલન્સ પર તપાસની માંગણી કરી હતી. જેને લઇને મનપા કમિશનર આનંદ પટેલ કર્મચારીઓની માંગણી સાંભળ્યા વિના ફરી પોતાની મિટિંગ ચેમ્બરમાં જતા રહ્યા હતા. મનપા કર્મચારી પરિષદ દ્વારા સૌ પ્રથમ કચેરી ખાતે રામધૂન બોલાવામાં આવી હતી અને ત્યારબાદ તમામ ઓફિસને બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેના કારણે વિજિલન્સ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા હતા અને સમગ્ર અમલે વધુ ઉગ્ર બન્યો હતો.