રાજકોટ : રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજજીના 50માં જન્મ મહોત્સવના ભાગરૂપે અનેકવિધ સેવાકીય પ્રવુતિ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ખાસ સેવાકીય પ્રવૃત્તિ માટે ભૂખ્યાજનોને ગરમાગરમ ભોજન મળે તે માટે તપસમ્રાટ પ્રસાદમ નામની એક વેન શરૂ કરવામાં આવી છે. જેમાં ગરમાગરમ રોટલી બનાવવાનું મશીન છે. આ વેન રાજકોટના અલગ અલગ વિસ્તારમાં ફરે છે. તેમજ ભુખ્યા લોકોને ગરમાગરમ રોટલી તેની નજર સમક્ષ જ બનાવીને જમાડે છે.
આ મશીનમાં 1 કલાકમાં અંદાજીત 1 હજાર જેટલી રોટલી બને છે. જ્યારે પડ વાળી1800 રોટલી પણ 1 કલાકમાં બની શકે છે. ગરમાગરમ રોટલી સાથે ભૂખ્યા લોકોને દાળભાત અને શાક સહિતનું જમવાનું આપવામાં આવે છે. સમગ્ર ભારતમાં કહી શકાય કે, આવો પ્રથમ પ્રોજેક્ટ હશે. જેમાં સ્લમ વિસ્તારમાં જઈને ત્યાં જ ગરમાગરમ રોટલી બનાવીને લોકોને જમાડવામાં આવે છે.
ખાસ રાષ્ટ્રસંત નમ્રમુનિને વિચાર આવ્યો હતો કે, આપણે સૌ ગરમાગરમ ભોજન આરોગીએ છીએ. તો જેને એક ટંકનું ભોજન પણ માંડ મળે છે. જો તેવા લોકોને ગરમાગરમ ભોજન જમાડવામાં આવે તો, અને ત્યારબાદ રાજકોટમાં ઓહમ ગ્રુપના સભ્યો દ્વારા ખાસ આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેમજ હાલ આ પ્રોજેક્ટને ખૂબ પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પણ રાજ્યના અલગ અલગ શહેરમાં આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવનાર છે.