રાજકોટ: હવામાન વિભાગ દ્વારા સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસદણમાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો હતો. તેમજ જસદણ પંથકમાં આટકોટ, વીરનગર, જંગવડ પાંચવડા, જીવાપર, ખારચિયા જસાપર, ચીતલીયા, સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને કરણુકી ડેમના 5 દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો : જૂનાગઢમાં એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો જેવા કે, જીવાપર, પ્રતાપપુર, જૂના પીપળીયા સહિતના નીચેના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જ્યારે કોટડાસાંગાણામાં 2 ઇંચ, જસદણમાં 1 ઇંચ, લોધિકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેમજ ઉપરવાસમાં ભારે વરસાદને લઇને રાજકોટ જિલ્લાના ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલ ભાદર-2 ડેમના 4 દરવાજા ચાર ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ નિચાણવાળા વિસ્તારો જેવાં કે, ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર સુધી તમામ નદી કાંઠે આવતાં ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.