રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં અચાનક કોલેરાનો એક કેસ નોંધાયો હતો. કોલેરાનો કેસ નોંધતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું હતું અને જે વિસ્તારમાં કોલેરાનો કેસ નોંધાયો ત્યાં સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે હજુ સુધી કોર્પોરેશનના ચોપડે એકમાત્ર કોલેરાનો કેસ હોવાનું સામે આવ્યું હતું. પરંતુ અહીંયા આરોગ્ય તંત્ર દ્વારા ઠેર ઠેર અલગ અલગ ઘરમાં લોકોનું ટેસ્ટિંગ અને આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.
ખાનગી લેબોરેટરીમાં કોલેરાનો કેસ નોંધાયો: કાલાવડ રોડ ઉપર આવેલા અવધ વિસ્તાર નજીક બાંધકામ સાઈટ ઉપર એક શ્રમિકને કોલેરાનો કેસ ડિટેક્ટ થયો હતો. શ્રમિક વેદનાથ મહેતાએ ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોલેરા પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ હરકતમાં આવી હતી. તેમજ આ શ્રમિકના ટેસ્ટનું સેમ્પલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પરંતુ સિવિલ હોસ્પિટલમાં કોલેરા નેગેટિવ આવ્યો હતો. જેને લઇને આરોગ્યતંત્ર એ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ બીજી તરફ આરોગ્ય તંત્રની ટીમ દ્વારા આ વિસ્તારમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યો છે.
અમને જેવી જ કોલેરાના કેસ અંગેની જાણ થઈ. અમે તાત્કાલિક શ્રમિકના ઘરે પહોંચ્યા હતા અને તેનો ટેસ્ટ કરીને તેનું સેમ્પલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલ્યું હતું. જ્યારે સિવિલ હોસ્પિટલ ખાતે જે સેમ્પલ મોકલવામાં આવ્યું હતું. તેમાં કોલેરા નેગેટીવ આવ્યો હતો પરંતુ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિસ્તારમાં 46 જેટલા ઘરોનો સર્વે કર્યો હતો અને આ વિસ્તારના 250 કરતા વધુ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી પરંતુ કોઈને પણ કોલેરા અથવા આવા કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતો. - ડો. જયેશ વાંકણી, મનપા આરોગ્ય અધિકારી
કોલેરા માટે દૂષિત પાણી જવાબદાર: મનપા આરોગ્ય અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે ચોમાસામાં દૂષિત પાણીની સમસ્યાઓ જોવા મળતી હોય છે. જ્યારે ચોમાસામાં મુખ્યત્વે પાણીજન્ય રોગચાળો વધતો હોય છે. એવામાં આ પ્રકારના કોલેરાના કેસ પણ સામે આવતા હોય છે પરંતુ રાજકોટમાં હાલમાં કોઈપણ કોલેરા કેસ નથી અને જે વિસ્તારમાં કોલેરાનો કેસ આવ્યો હતો ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલ અહીંયા પણ પરિસ્થિતિ કાબુમાં છે.