રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતીને બદલે જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં 11 માસના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. જ્યારે 11 માસના કરાર આધારિત શિક્ષકોની ભરતીને લઈને ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં જૂબેલી બાગ ખાતે આજે મોટી સંખ્યામાં બી.એડ અને ટેટ ટાટની પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો એકઠા થયા હતા.
વર્તમાન સરકાર જ્ઞાન સહાયક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. અગાઉ અંગ્રેજો હતા તેઓ રોયલ એક્ટ એટલે કે એક કાળો કાયદો લાવ્યા હતા તે જ પ્રમાણેનો કાયદો વર્તમાન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં 11 માસના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે. જ્યારે ભાવિ પેઢીનું ઘડાત્મક આ શિક્ષકો દ્વારા કરવામાં આવે છે. જ્યારે તેમને જ અનિશ્ચિતકાળમાં ધકેલી દેવામાં આવનાર છે. ત્યારે સરકારના આ કાળા કાયદાના અમે વિરોધમાં છીએ. અમે રાજકોટના જુબેલી બાગ ખાતે એકઠા થયા છીએ અને આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા અને રણનીતિ ઘડવાના છીએ. - યુવરાજસિંહ, વિદ્યાર્થી નેતા, રાજકોટ
ગાંધીનગરમાં જનસેલાબ જોવા મળશે: યુવરાજસિંહે વધુમાં જણાવ્યું હતું કે હાલ આજે જનસેલાબ અહીં ભેગો થયો છે તે આગામી દિવસોમાં ગાંધીનગરમાં પણ જોવા મળશે. રાજ્યના તમામ તાલુકાઓ અને જિલ્લાઓમાં જાગૃતતાના ભાગરૂપે આજે રાજકોટ ખાતે આવવાનું થયું છે. જ્યારે આગામી દિવસોમાં આ તમામ લોકોને સાથે લઈને વિધાનસભાના પાયા હચમચાવવા માટે અમે ગાંધીનગર ખાતે આવી રહ્યા છીએ. સરકારી તંત્રનું ધીમે ધીમે ખાનગીકરણ રહ્યું છે. જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. જ્ઞાન સહાયક યોજના રદ થવી જોઈએ તેમજ કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ તે અમારી હાલ મુખ્ય માંગ છે.