ગુજરાત વિધાનસભાની ચૂંટણી(gujarat assembly election) જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે. દરેક રાજકીય પાર્ટી તેમાં તેના રોટલા શેકી રહી છે. તો ઘણા ઉમેદવારો તેમનો લાભ જોતા એક પક્ષમાંથી બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. એક બાજુ આમ આદમી પાર્ટીએ(aam aadmi party) ઈસુદાન ગઢવીને CM પદના દાવેદાર જાહેર કરી દીધા છે. તો બીજી બાજુ કોંગ્રેસનો હાથ છોડીને આપમાં જોડાયેલા નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ફરી કોંગ્રેસમાં(indian national congress) ઘરવાપસી કરી છે. જે મુદ્દે રાજકારણ ગરમાયું છે અને બન્ને પક્ષો એકબીજા પર વાકપ્રહારોની આતશબાજી કરી રહ્યા છે.
ઇન્દ્રનીલના આપ પર આરોપ: એક બાજુ ચૂંટણીની મૌસમ છે ત્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુના રાજીનામાથી આપને મોટો ફટકો પડી શકે છે. ઇન્દ્રનીલ રાજકરણમાં સૌથી વધુ અનુભવ ધરાવતા, સૌરાષ્ટ્રના સૌથી ધનિક ધારાસભ્ય છે. ઈન્દ્રનીલે હવે કોંગ્રેસમાં જતાં જ આમ આદમી પાર્ટી પર ગંભીર રાજકીય આરોપો લગાવવાનું શરૂ કરી દીધું હતું. આપને મળતા ફંડથી લઈને ઉમેદવારોના નામ નક્કી કરવામાં ભાજપની ભૂમિકા હોવાનો દાવો કર્યો હતો. અને જણાવ્યું હતું કે. 'હું AAPમાં એટલે જોડાયો કે ભાજપ દેશ માટે ખરાબ પાર્ટી છે અને તેને ગુજરાતમાં હરાવવી જરૂરી છે. પરંતુ જેમ ભાજપ લોકોને મુર્ખ બનાવે છે તેમ AAP પણ મુર્ખ બનાવે છે અને ભાજપની બી ટીમ તરીકે જેમ કામ કરતા હોય તેવું લાગી રહ્યું છે. '
કેજરીવાલનો પલટવાર: અરવિંદ કેજરીવાલે ઈન્દ્રનીલના તમામ આરોપોને ફગાવી દીધા હતા. ઇન્દ્રનીલના આક્ષેપ પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે 'તેઓ પાર્ટીમાં હતા ત્યારે કંઇ ન કહ્યું, હવે તેઓ બોલી રહ્યાં છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂને સીએમના ઉમેદવાર બનવું હતુ. પરંતુ લોકોએ ઈસુદાનને CM પદના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ લોકોમાં સ્વીકાર્ય ચહેરો નથી, જેથી પાર્ટીને કોઇ ફર્ક નહિ પડે.' આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમીની સરકાર બનતા જ વીજળી બિલ ફ્રી થઈ જશે. ગુજરાતમાં ભાજપ હારી રહી છે એટલે દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે.'