રાજકોટ : આજે ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજકોટના 26,000થી વધુ વિદ્યાર્થીઓનું પણ પરિણામ આજે જાહેર થયું છે. રાજકોટ જિલ્લાના પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું 79.94 પરિણામ આવ્યું છે. જેમાં રાજકોટની ધોળકિયા સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ બોર્ડ ફર્સ્ટ આવ્યા છે. આ ચારેય વિદ્યાર્થીઓને 99.99 પીઆર આવ્યા છે. જેના કારણે બોર્ડમાં સારા પરિણામ આવનાર વિદ્યાર્થીઓનું ધોળકિયા સ્કૂલ દ્વારા અનોખું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તેમને રથ પર બેસાડીને રથની સવારી કરાવવામાં આવી હતી. આ સાથે જ અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલી ક્રિષ્ના નામની વિદ્યાર્થીનીને 99.77 આવ્યા હતા. ત્યારે ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેકમા મૃત્યુ પામનારા આધેડની પુત્રીએ પણ ધોરણ 12માં સારું પરિણામ મેળવ્યું હતું.
અમે વાપીથી જુડોની ટુર્નામેન્ટ રમીને પાછા રાજકોટ આવી રહ્યા હતા. તે દરમિયાન બગોદરા ખાતે અમારું એક્સિડન્ટ થયું હતું. જેના કારણે મને કરોડરજ્જુમાં ગંભીર ઇજા થઈ હતી અને મારા બંને પગ પેરેડાઇઝ થઈ ગયા હતા. આ ઇજાના કારણે મારે ભણવામાં એક વર્ષ ડ્રોપ લેવો પડ્યો હતો, પરંતુ હવે મને આ વખતના ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં એ વન ગ્રેડ મળ્યો છે. જેના કારણે હું મારી સ્કૂલ તેમજ મારા માતા-પિતાનો ખૂબ જ આભાર માનું છું. જ્યારે મહેનતની વાત કરવામાં આવે તો હું દરરોજ ચાર કલાક પગની કસરત કરતી હતી. ત્યારબાદના સમયમાં હું વાંચન કરતી હતી. જેના કારણે દિવસ દરમિયાન દસ કલાક જેવી મારી મહેનત થઈ જતી હતી અને મને ધાર્યું તેવું પરિણામ મળ્યું છે તેના કારણે હું ખુશ છું. - ક્રિષ્ના બારડ (વિદ્યાર્થીની)
ત્રણ પેપર બાકી હતા અને પિતા મૃત્યુ પામ્યા : જ્યારે ધોળકિયા સ્કૂલમાં જ અભ્યાસ કરતી મકવાણા દેવાંશી પોતાના હાથમાં બેટ સાથે સ્કુલ ખાતે આવી હતી. જેને 88.35 પીઆર આવ્યા છે. દેવાંશી જણાવ્યું હતું કે, મારા પિતાને રેસકોસ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા હાર્ટ એટેક આવી ગયો હતો. જેના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. મારે બોર્ડની પરીક્ષા શરૂ હતી અને છેલ્લા ત્રણ પેપર બાકી હતા તે દરમિયાન મારા પિતાનું હાર્ટ અટેકના કારણે અવસાન થયું હતું. મારા પપ્પાને ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ હતો અને તેઓ દર રવિવારે ક્રિકેટ રમવા માટે જતા હતા. ત્યારે 19 તારીખના રોજ શાસ્ત્રી મેદાન ખાતે ક્રિકેટ રમતા રમતા તેમને હાર્ટ એટેક આવી ગયો હતો અને તેઓ મૃત્યુ પામ્યા હતા, એટલે કે મારા પિતાનો જે ક્રિકેટ રમવાનો શોખ હતો તેના કારણે હવે હું મારા દરેક સિદ્ધિ સિક્સ મારીને હાસિલ કરી તેઓ મે નિર્ણય કર્યો છે.