શુભ કાર્યો નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે ઈશ્વરને પ્રાથના કરવામાં આવતી હોય છે. ગોર મહારાજ દ્વારા “નિર્વિઘ્ને કુરુમે દેવ, સર્વ કાર્યેશુ સર્વદા”ના મંત્રોચ્ચાર ભણવામાં આવતા હોય છે. અને લગ્ન પ્રસંગે વરવધુને નજરના લાગે તે માટે અનેક વિધિઓ પણ કરવામાં આવતી હોય છે. ત્યારે ગુંદાળા રોડ ઉપર રામેશ્વર પાર્કમાં રહેતા પ્રવિણભાઇ કમાણીના પુત્ર મિલનના લગ્ન જેતલસર મગનભાઇ ઠુમરની પુત્રી પૂજા સાથે નિર્ધારિત થવા પામ્યા હતા. જાનૈયા અને માંડવીયાઓ સર્વે મહેમાનોની સુરક્ષાને ધ્યાને લઇ સર્વેને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા. આ રીતના લગ્ન આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા હતા.
આ અનોખા લગ્નથી સર્વે મહેમાનો પણ પ્રભાવિત થયા હતા અને કહેવા લાગ્યા હતા કે, આરોગ્ય વિભાગ દ્વારા અનેક જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવી રહી છે કે, વધુ પડતી ભીડ હોય ત્યાં ન જવું, પરંતુ લગ્ન પ્રસંગમાં તો સ્વાભાવિક બધા ભેગા થવાના જ હોય. જાનૈયા અને માંડવીયાઓએ મહેમાનોને માસ્ક પહેરાવી એક ઉમદા કાર્ય કર્યું છે. આવા બીમારીના વાતાવરણમાં માસ્ક સહીત સાવચેતીના પગલાં ફરજીયાત હોવા જોઈએ તેવું અંતમાં જણાવ્યું હતું.