રાજકોટ: ગોંડલ સબ જેલમાં 14 જુલાઇના રોજ વચગાળાના જામીન રજા પરથી જેલમાં પરત દાખલ થયેલા કાચા કેદીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં ગોંડલ સબ જેલમાં કોરોનાનો પગપેસરો થયો હતો. 30 જુલાઇએ ગોંડલ ખાતે વિઝિટમાં આવેલા જીલ્લા કલેકટરએ ગોંડલ સબ જેલની કોરોના પરિસ્થિતીને ગંભીરતાથી લઇ હેલ્થ વિભાગની ટીમને જેલની અંદર તમામ કેદીઓ તથા જેલ સ્ટાફનું હેલ્થ સ્ક્રીનીંગ કરવા સુચના આપેલી અને કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેદીઓ તથા જેલ સ્ટાફના રેપીડ ટેસ્ટ કરવા સુચના આપેલી હતી.
![કોરોના હોસ્ટપોટ બનેલી ગોંડલ સબ જેલ કોરોના મુકત બની](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04:24:29:1597748069_gj-rjt-01-gondal-corona-sabjail-photo-gj10022_18082020162317_1808f_1597747997_664.jpg)
જે અન્વયે તાલુકા હેલ્થ અધિકારી ડો.ગોયેલ તથા વિજયનગર અર્બન હેલ્થ સેન્ટરના ડો.દિવ્યા, ડો.રીંકુ સખીયા, ડો.રવિ વઘાસીયા તથા હેલ્થની ટીમ દ્રારા 31 જુલાઇના રોજ ગોંડલ સબ જેલમાં કેમ્પ કરી જેલની અંદર રાખવામાં આવેલા તમામ કેદીઓ તથા જેલ સ્ટાફનું હેલ્થ સ્ક્રીનીંગ કરવામાં આવેલા અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા 46 કેદીઓ તથા 5 જેલ સ્ટાફ કર્મચારીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવતાં 31મી જુલાઇના રોજ એક સાથે 10 કાચા કેદીઓના રીપોર્ટ પોઝિટિવ આવતાં કોરોનાનો આંકડો 23(ત્રેવીસ) સુધી પહોંચી ગયો હતો.
3 ઓગસ્ટના રોજ વચગાળાના જામીન રજા પરથી જેલમાં પરત દાખલ થયેલ એક કાચા કેદીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતાં ગોંડલ સબ જેલમાં કોરોનાનો કુલ આંકડો 24 સુધી પહોંચી ગયો હતો અને ગોંડલ સબ જેલ કોરોના હોસ્ટપોટ બની હતી. તાલુકા હેલ્થ અધિકારી ડો.ગોયેલ અને હેલ્થ વિભાગની ટીમ, સિવિલ સર્જન બી.એમ.વાણવી, સિવિલ હોસ્પિટલના ડોકટર અને પેરામેડીકલ સ્ટાફ તથા સરકારી આયુર્વેદીક દવાખાનાના તબીબ ડો.સખીયાનાઓના સંકલનમાં રહી જેલ અધિક્ષક ડી.કે.પરમાર તથા જેલ સ્ટાફએ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે લીધેલ પગલાં અને અસરકારક કામગીરીના કારણે 31 જુલાઇ બાદથી જેલમાં રાખવામાં આવેલા એક પણ કેદી કોરોના વાયરસથી સંક્રમિત થયા નથી તેમજ પી.ડી.યુ.મેડીકલ કોલેજ, કોવિડ હોસ્પિટલ રાજકોટ અને રેનબસરા કોવિડ સેન્ટર, રાજકોટ ખાતે કોરોનાની સારવાર લઇ રહેલા ૨૩ કેદીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ડીસ્ચાર્જ થઇ જેલમાં પરત આવેલા છે. જેઓની તબિયત સારી છે અને ડોકટરની સલાહ મુજબ 7 દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવેલા છે.
કેદીઓ તથા જેલ સ્ટાફમાં રોગપ્રતિકારક શકિત વધારવા માટે દરરોજ નિયમિતપણે વિટામીન-સી ટેબ્લેટ, સંશમની વટી ટેબ્લેટ તથા હોમિયોપેથી દવા, સૂંઠ,ઘી,ગોળની ગોળીઓ, સૂંઠ પાવડર તથા આયુર્વેદીક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગોંડલ સબ જેલના જેલ અધિક્ષક ડી.કે.પરમારએ જણાવેલ છે કે, જેલ સ્ટાફ અને કેદીઓને કોરોના વાયરસનો પ્રતિકાર કરવા સજજ કરેલ હતા અને બીજા વધુ કેદીઓ તથા જેલ સ્ટાફ કોરોનાથી સંક્રમીત ન થાય તે માટે આયુષ મંત્રાલયની ગાઇડ લાઇન મુજબ કેદીઓ તથા જેલ સ્ટાફમાં રોગપ્રતિકારક શકિત વધારવા માટે જેલ રસોડામાં સૂંઠ, ઘી, ગોળની ગોળીઓ તથા આયુર્વેદીક ઉકાળો બનાવી દરરોજ બે ટાઇમ વિતરણ ચાલુ કરેલ હતું તેમજ કેદીઓ તથા જેલ સ્ટાફ માટે સૂંઠ પાવડરની વ્યવસ્થા કરી બે ટાઇમ જીભ પર સૂંઠ પાવડર મુકી તેની લાળ ગળી જવા માટે સુચના આપેલ હતી. ઉપરાંત હેલ્થ વિભાગ તથા સિવિલ હોસ્પિટલ દ્રારા પુરી પાડવામાં આવેલ વિટામીન-સી ટેબ્લેટ, સંશમની વટી ટેબ્લેટ તથા હોમિયોપેથી દવાનો ડોઝ નિયમિતપણે પીવડાવવામાં આવેલ અને કેદીઓ, જેલ સ્ટાફ અને સ્ટાફ પરીવારના સભ્યોને કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણ આપવામાં આવ્યા છે.
જેલની અંદર દરરોજ નિયમિતપણે હાઇપોકલોરાઇડ સોલ્યુશનનો છંટકાવ કરી સેનેટાઇઝ કામીગીરી કરવામાં આવી તેમજ ગોંડલ નગરપાલિકા દ્રારા પણ જેલની અંદર સમયાંતરે સેનેટાઇઝ કામગીરી, ડી.ડી.ટી. પાવડરનો છંટકાવ તથા ફોગીંગ કરવામાં સહયોગ આપ્યો હતો. બેરેકમાં ભીડ ઓછી થાય અને સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તે તાત્કાલિક અસરથી નવા બાથરૂમ બનાવવામાં આવી કોરોન્ટાઇન બેરેક તથા આઇસોલેશન બેરેકની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
ગોંડલ સબ જેલમાં કેદીઓમાં કોરોનાનું સંક્રમણ વધતાં કેદીઓને રાખવામાં આવેલા બેરેકમાં સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન થાય તે માટે જેલ અધિક્ષક ડી.કે.પરમાર દ્રારા જેલની અંદર આવેલા લાયબ્રેરીના બે માળના મકાનના બે રૂમમાં, મેડીકલ ચેક-અપ રૂમમાં તથા જેલ રસોડાના રૂમમાં તાત્કાલિક અસરથી બાથરૂમ બનાવવાનો નિર્ણય લીધો અને જરૂરી ગ્રાન્ટ ફાળવવા માટે કરેલી રજૂઆત અન્વયે જેલ ખાતાના વડા ડો.કે.એલ.એન.રાવ , અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટનાઓ દ્રારા તાત્કાલિક અસરથી માગણી મુજબની ગ્રાન્ટ ફાળવવામાં આવતાં વીસ દિવસના ટુંકાગાળામાં જેલની અંદર લાયબ્રેરીના બે રૂમ, મેડીકલ ચેક-અપ રૂમ તથા જેલ રસોડાના રૂમમાં બાથરૂમ બનાવી કેદીઓ માટે કોરોન્ટાઇન બેરેક તથા આઇસોલેશન બેરેકની તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી, જેના પગલે ગોંડલ સબ જેલને કોરોના મુકત બનાવવામાં સફળતા મળી છે.