રાજકોટઃ ગોંડલના ગુંદાળા રોડ પર ખોડલધામ સોસાયટીમાં યુવાનના હાથમાંથી રૂપિયા પાંચ લાખ ભરેલી થેલી પડી ગઈ હતી. જે પોલીસની મદદ દ્વારા તમામ રકમ પરત મળી હતી. ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા અને યોગીરાજ ડીઝલ નામની દુકાન ધરાવતા ગોપાલભાઈ બચુભાઈ વસોયાને ત્રણ-ચાર દિવસ બહારગામ જવાનુ હોવાથી રોકડા રૂપિયા પાંચ લાખ પોતાના મિત્ર અનિલભાઈ છગનભાઇ વઘાસિયા (ચરખડી મેડિકલ સ્ટોર વાળા) ને ત્યાં મૂકવા ગયા હતા.
રવિવાર 11:30 વાગ્યે રૂપિયા 5 લાખ થેલીમાં ભરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે પટેલ કાર વાળી શેરીમાં વળતાં મોબાઇલમાં ફોન આવતા હાથમાંથી રૂપિયા પાંચ લાખની થેલી નીચે પડી ગઇ હતી. 100- 200 ફૂટ દૂર ગયા બાદ પરત ફરી જોતા રોકડ રકમ ભરેલી થેલી ગુમ જણાતા પોલીસની મદદ લેવા દોડી ગયા હતા.
ઘટના અંગે સિટી પોલીસ મથકના પી.આઈ રોમા ધડુક, જમાદાર કે કે રાઠોડ તેમજ પુનિતભાઈ અગ્રાવત સહિતનાઓ સ્થળ પર દોડી ગયા હતા અને પૂછપચ્છ શરૂ કરી હતી. તે દરમિયાન સ્થળ પર રહેતા જ પરિવારને મૂળ માલિકની ખાતરી થતાં તમામ રકમ પરત કરી હતી.