રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં સરદાર ધામ દ્વારા GPBS 2024 ગ્લોબલ પાટીદાર સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રભરના પાટીદાર ઉદ્યોગકારોએ ભાગ લીધો છે. જ્યારે દર બે વર્ષે સરદાર ધામ દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં આ પ્રકારે એક્સપોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટના નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર GPBS 2024નું આયોજન કરવામાં આવ્યું છે. 7 જાન્યુઆરીના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલ આ એક્સપોને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 25 એકર જગ્યામાં પાંચ વિશાળ ડોમ સાથે આ એક્સપો ખુલ્લો મુકવામાં આવ્યો છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનાથી સરદારધામની ટીમ દ્વારા આ એક્સપોને સફળ બનાવવાની કામગીરી કરાઈ રહી છે.
1100 જેટલા નાના મોટા સ્ટોલ રાખવા આવ્યા: રાજકોટમાં યોજાયેલ GPSB 2024 એક્સપોમાં સૌરાષ્ટ્ર ભરમાંથી આવેલા અંદાજિત 1100 જેટલા નાના મોટા ઉદ્યોગકારોએ પોતાના સ્ટોર તેમાં રાખ્યા છે. જેમાં વિવિધ કંપનીઓની પ્રોડક્ટ રાખવામાં આવી છે. જ્યારે સોઈથી માંડીને મોટા મોટા સેટેલાઈટના પાર્ટ્સની માંગ રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો પૂરી પાડી રહ્યું છે, ત્યારે હજુ પણ અનેક ક્ષેત્રમાં રાજકોટ અને સૌરાષ્ટ્રમાં બનતી પ્રોડક્ટ્સને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્લોબલ માર્કેટનો લાભ મળે તેમજ સ્થાનિક રોજગારી વધે તેમજ અનેક સ્ટાર્ટઅપ્સને પણ પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી સરદાર ધામ દ્વારા રાજકોટ ખાતે ગુજરાતના સૌથી વિશાળ એક્સ્પો ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
દર બે વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોમાં આયોજન: સરદાર ધામ દ્વારા દર બે વર્ષે આ પ્રકારના એક્સપોર્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વખતે રાજકોટ ખાતે કરવામાં આવેલા એક્સપોના આયોજનમાં 41 દેશના પ્રતિનિધિઓએ પણ હાજરી આપવામાં હોવાનું સંચાલકો જણાવી રહ્યા છે. રાજકોટમાં એક્સપો યોજતા પહેલા સરદારધામની ટીમ દ્વારા વિવિધ દેશોનો પ્રવાસ કરવામાં આવ્યો હતો અને ત્યાંના ઉદ્યોગકારો સાથે પણ બેઠક કરવામાં આવી હતી. તેમજ તેઓને પણ અહી આ એક્સપોમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. મુખ્યત્વે આ એક્સપો થકી રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે આંતરરાષ્ટ્રીય ઉદ્યોગકારો જોડાય છે અને નવા વ્યાપારના સમીકરણ રચાય છે. જેનાથી સીધો ફાયદો ઉદ્યોગકારોને થતો હોય છે. અગાઉ યોજાયેલા એક્સપોથી ઉદ્યોગકારોને ઘણો બધો લાભ થયો છે. જેને લઈને દર બે વર્ષે સરદાર ધામ દ્વારા એક્સપોનું આયોજન કરવામાં આવે છે.