રાજકોટ : રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગૌ ટેક એક્સપો 2023નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અહી ગૌ ટેક એક્સપો 2023 પહેલા યોજાયેલા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યારે આજે શહેરના જિલ્લા પંચાયત ચોકથી ગામડાંની પરંપરા મુજબ બળદગાડામાં સામૈયું કરાયું હતું જેમાં બળદગાડામાં સામૈયા લઈને રેસકોર્સ ખાતે કામધેનુ નગરીમાં લઈ જવામાં આવ્યા હતાં તેમજ અહીં યોજાયેલ પ્રદર્શનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ગૌશાળાને અનેક લાભ : ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સૌપ્રથમવાર આ પ્રકારના ગો ટેક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વભરના ગૌપ્રેમીઓ અને પશુપાલકો ભાગ લઈ રહ્યા છે. ત્યારે આ ગૌ એક્સપોના કારણે ગ્રામીણ વિસ્તારમાં રહેતા પશુપાલકોને ગૌશાળાને અનેક લાભ થશે.
સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમ : આ અંગે પૂર્વ કેન્દ્રીયપ્રધાન અને પૂર્વ કામધેનુ આયોગના ચેરમેન વલ્લભ કથીરિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગૌ ટેક 2023 મહાકુંભ આયોજન શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે 24 મેથી 28મે સુધી આ ગૌ ટેક એક્સપોમાં ગૌ આધારિત પ્રદર્શન તેમજ સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
હું તમામ લોકોને અપીલ કરું છું કે ગાયને સંપૂર્ણ રીતે સમજવા માટે આ એક્સ્પોને નિહાળવા માટે આવે. ખાસ કરીને ગાયને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ, આરોગ્યની દ્રષ્ટિએ અને ગાય આધારિત અનેક નવા નવા સ્ટાર્ટઅપ પણ શરૂ થયા છે. આ તમામ વસ્તુઓ આપણને એક જ સ્ટેજ પર જોવા મળશે. ત્યારે ખરેખર લોકોએ આનો લાભ લેવો જોઈએ...વલ્લભભાઈ કથીરિયા (પૂર્વ કેન્દ્રીયપ્રધાન)
બિઝનેસ સમિટ પણ યોજાશે : રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પાંચ દિવસ સુધી ગૌ ટેક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ગૌ આધારિત બિઝનેસ સમિટ પણ યોજાશે. તેમાં ઈન્વેસ્ટરો અને ઉત્પાદકો બંને સાથે જોવા મળશે. જ્યારે આ ગૌ ટેકની વિશેષતા એ છે કે વિશ્વનું આ પ્રથમ એવું ગૌ ટેક છે. જેમાં ઇન્વેસ્ટરો અને ઉત્પાદકો સાથે જોવા મળશે. તેમજ ગૌ આધારિત વેપારને પણ ગતિ મળશે. આજે રાજકોટમાં બળદગાડામાં સામૈયા સાથે વૈદિક હવન કરીને આ ગૌ એક્સ્પો પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાના સંતોમહંતો અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતાં.
ગૌ આધારિત ખેતીને પ્રોત્સાહન : જ્યારે રાજકોટના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન એવા મોહન કુંડારિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગૌ ટેકનું આયોજન કરવા માટે મુખ્યત્વે ગાયોનું જતન કરવાનો ઉદ્દેશ છે. જ્યારે ગાય માતા અંગે માર્ગદર્શન આપવા માટે દેશભરમાંથી ગૌ પાલકો, વિવિધ સંસ્થાના આગેવાનો અને ગૌ નિષ્ણાતોના માધ્યમથી લોકોને ગાય અંગેનું માર્ગદર્શન પૂરું પાડવાનું હોય ત્યારે રાજકોટમાં યોજાયેલ આ ગૌ ટેક અતિ મહત્વનો છે. તેમજ ગૌ આધારિત ખેતીને કઈ રીતના વધારવામાં વધારે પ્રોત્સાહન આપી શકાય એનું પણ અહીંયા માર્ગદર્શન મળવાનું હોય ત્યારે આ ગૌ ટેકનું આયોજન અહી કરવામાં આવ્યું છે.