રાજકોટ: રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપરજોય નામનું વાવાઝોડું ટકરાયા બાદ ભારે પવન અને વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના સામે આવી હતી. જોકે આ ઘટના હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફને ધ્યાને આવતા તાત્કાલિક પ્લાન્ટને બંધ કરવામાં આવ્યો હતો. જેના કારણે મોટી જાનહાનિ સર્જાઈ નહોતી.
ગેસ લીકેજ થતાં અફરાતફરી: રાજકોટના સિવિલ હોસ્પિટલમાં આવેલી કેડી ચિલ્ડ્રન હોસ્પિટલ નજીક ઓક્સિજનનો પ્લાન્ટ આવેલો છે. જ્યારે આ ઓક્સિજનના પ્લાન્ટમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક ગેસ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. જેના કારણે હોસ્પિટલ દાખલ દર્દીઓમાં થોડા સમય માટે દોડધામ થઈ જવા પામી હતી.
સિક્યુરિટી સ્ટાફ દ્વારા સંચાલકોનું ધ્યાન દોરાયું: ગેસ લીકેજની ઘટના સર્જાતા હોસ્પિટલમાં હાજર રહેલ સિક્યુરિટીના સ્ટાફ દ્વારા તાત્કાલિક પ્લાન્ટના સંચાલકને આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેના કારણે પ્લાન્ટના સંચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે આવ્યા હતા અને ઓક્સિજન પ્લાન્ટ બંધ કર્યો હતો. આ ગેસ લીકેજની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. ઓક્સિજન પ્લાન બંધ થતાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
કોઈ જાનહાની નહિ: સિવિલ હોસ્પિટલમાં વાવાઝોડાની વચ્ચે અચાનક ઓક્સિજન પ્લાન્ટમાંથી ગેસ લીકેજની ઘટનાને પગલે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો હતો. પરંતુ આ ગેસ લીકેજની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નહોતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કેડી ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે જેમાં બાળકોને સારવાર આપવામાં આવે છે. ત્યારે આ પ્રકારની ઘટના સમયે અહીંયા મોટા પ્રમાણમાં બાળ દર્દીઓ દાખલ હતા, એવામાં ઓક્સિજન પ્લાન્ટમાં લીકેજ થવાની ઘટનાને પગલે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ ચિંતામાં મુકાયા હતા, પરંતુ ઓક્સિજન પ્લાન્ટ બંધ થતાં ગેસ લીકેજની ઘટના કાબુમાં આવી હતી, જેને કારણે હોસ્પિટલમાં રહેલા દર્દીઓ પણ ભયમુક્ત થયા હતા.