રાજકોટ : દેશભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. એવામાં આજે ગણેશ વિસર્જન સાથે સાથે ઈદ પણ છે. ત્યારે રાજકોટમાં વહેલી સવારથી જ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ સાથે પોલીસ દ્વારા શહેરના અલગ અલગ સાત જેટલા સ્થળોએ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ભક્તોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગણેશ ચતુર્થીની ઉજવણી કરી હતી.
7 સ્થળોએ કૃત્રિમ તળાવ : ગણેશ વિસર્જનને લઈને રાજકોટ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કુલ 7 જગ્યાએ ગણેશ વિસર્જનની વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં આજી ડેમની 1, 2 અને 3 નંબરની ખાણ, આજીડેમ ચોકડી નજીક જ્યાં બજાર ભરાય છે ત્યાં એક કૃત્રિમ કુંડ ઊભો કરવામાં આવ્યો છે. આ સાથે જ જામનગર રોડ ઉપર ન્યારા ગામ નજીક તેમજ મવડી વિસ્તારમાં પાળ ગામ નજીક અને કાલાવડ રોડ ઉપર વાગોદડ પાસે એમ કુલ 7 જગ્યાએ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ કામગીરીમાં ફાયર વિભાગના 100 વધુ કર્મચારીઓ જોડાયા હતા. જ્યારે આજીડેમ 3 નંબરની ખાણમાં અંદાજિત 55 જેટલી નાની-મોટી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે. હાલ આ કામગીરી શરૂ છે.
દુઃખદ બનાવ : આજે ગણેશભક્તોએ ગણેશજીને ભાવવિભોર થઈને વિદાય આપી હતી. ત્યારે મોડી રાત સુધી વિસર્જન પ્રક્રિયા શરૂ રહેશે. રાજકોટના મવડી વિસ્તારમાં એક દુઃખદ બનાવ બન્યો છે. જેમાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. પરંતુ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
14 ફૂટની ગણેશજીની પ્રતિમા : આજી ડેમ ખાતે ગણેશ વિસર્જન માટે આવેલા મુકેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, અમે રાજકોટના ચંપકનગરમાં ગણેશજીની સ્થાપના કરી હતી. જ્યારે ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની અમે ખૂબ જ ઉજવણી કરી છે. જ્યારે ભક્તો પણ મોટા પ્રમાણમાં આવતા અને ગણેશજીના દર્શન કરતા હતા. હાલ ગણેશ વિસર્જનમાં પણ રાજકોટ મહાનગરપાલિકાની તેમજ પોલીસની કામગીરી ખૂબ જ સારી જોવા મળી રહી છે.
ચંપકનગર કા રાજા : ચંપકનગર કા રાજાની મૂર્તિ અંદાજિત 14 ફૂટની હતી. જેને મુંબઈના કારીગરો દ્વારા બનાવવામાં આવી હતી. જ્યારે મુંબઈમાં લાલબાગ કા રાજાની પ્રતિકૃતિ સમાન ચંપકનગરના રાજાની મૂર્તિ બનાવવામાં આવી હતી. રાજકોટમાં વહેલી સવારથી જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા ચુસ્તપણે કામગીરી કરવામાં આવી હતી.