- રાજકોટ ખાતે પ્રથમ વખત ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને કોમ્યુટર કોર્ષની તાલીમનો શુભારંભ કરાયો
- કલેક્ટર અરુણ મહેશ બાબુ અને લક્ષ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી માનવેન્દ્રસિંહ ગોહિલ પણ રહ્યા ઉપસ્થિત
- 21 વ્યક્તિઓને ટ્રાન્સજેન્ડર આઈડેન્ટીટી કાર્ડ અને આઈ.ટી.આઈ દ્વારા કોર્ષ કીટ આપવામાં આવી
રાજકોટ: આજરોજ ડિસ્ટ્રીક સ્કિલ કમિટી-રાજકોટ, આઈ.એમ.સી. ઓફ આઇ.ટી.આઇ-રાજકોટ તથા લક્ષ્ય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ગુજરાતમાં સર્વપ્રથમ રાજકોટ ખાતે ટ્રાન્સજેન્ડર સમુદાયની 'કોર્ષ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ્સ (સીસીસી)' પ્રથમ બેચનું રાજપીપળાના રાજકુમાર અને લક્ષ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી માનવેન્દ્રસિંહ ગોહિલ અને કલેકટર અરુણ મહેશ બાબુના હસ્તે દિપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ સમુદાયની સૌ પ્રથમ 'કોર્ષ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ્સ (સીસીસી)' બેચ રાજકોટ ખાતે શરૂ કરવામાં આવી છે. આ તાલીમ થકી એક જ જગ્યાએ બેસીને માન અને સન્માન પૂર્વક કામ કરી શકશે. નજીકના ભવિષ્યમાં રાજ્ય સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટીરશીપ યોજના અન્વયે જી.આઈ.ડી.સીમાં પણ કામ મળી શકે તેવા પ્રયતનો કરવામાં આવશે.
આ પણ વાંચો : આજે મજબૂતી સાથે શરૂ થતા Share Marketમાં આવી તેજી, સેન્સેક્સ 254 પોઈન્ટ ઉછળ્યો
ટ્રાન્સજેન્ડર સમુદાયની સૌ પ્રથમ બેચ રાજકોટ ખાતે શરૂ
આ તકે લક્ષ્ય ટ્રસ્ટના ટ્રસ્ટી માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમુદાયની સૌ પ્રથમ સી.સી.સીની બેચ રાજકોટ ખાતે શરૂ થાય છે તે ખુબ ખુશીની વાત છે. અમારો પ્રયાસ સૌને સારૂ શિક્ષણ અને સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તે છે. શિક્ષણ મેળવીને સ્વરોજગાર મેળવીને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને સમાજના મુખ્ય પ્રવાહમાં ભળીએ. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોર્સ ચાલુ કરવાનો મુખ્ય ટ્રાન્સજેન્ડર જેવી કેટેગરીના લોકોનો સમાજના મુખ્ય પ્રવાહમાં સમાવેશ કરવો, ભારતીય બંધારણ અનુસાર સર્વ સમાવેશી સમાજનું નિર્માણ કરવું, રોજગારીની પુરતી તકો આપી તેઓને પગભર બનાવીને ગરીમાપૂર્વક જીવવાની પૂરતી તક આપવી. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં તેમનો સહયોગ લઈને તેઓની આવડતને બિરદાવીને આગળ વધવાનો છે.
આ પણ વાંચો : અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિનું રહસ્યમય સંજોગોમાં મોત, આશ્રમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો મૃતદેહ
ટ્રાન્સજેન્ડર આઈડેન્ટી કાર્ડ અને આઈ.ટી.આઈ દ્વારા કોર્ષ કીટ અપાઈ
આ પાયલોટ બેચમાં ટ્રાન્સજેન્ડર સમુદાયના 18-20 જેટલા ઉમેદવારો માટે તૈયાર કરાયેલા કોર્ષ થકી આઈ.ટી.આઈ રાજકોટ ખાતે તાલીમબધ્ધ કરાશે. જેમાં તેઓને કોમ્પ્યુટર વિશે પાયાનું જ્ઞાન આપવામાં આવશે. ત્યાર બાદ તેઓ લક્ષ્ય ટ્રસ્ટના વિવિધ પ્રોજેક્ટમાં કામ કરશે. તેઓએ આઉટરીચ વર્કર તરીકે સ્વમાનભેર દરરોજના છ થી સાત કલાકનું કામ કરવાનું રહેશે. આ કામગીરી બદલ સેલેરી ૭-૮ હજાર રૂપિયા જેટલી ચુકવવામાં આવશે. રાજકોટમાં આ પ્રોજેક્ટને સાકાર કરવામાં મહાત્મા ગાંધી નેશનલ ફેલો તરીકે કાર્યરત હિરલચંદ્ર મારૂ (IIM bangalore) નું વિશેષ યોગદાન છે. અત્રે ઉપસ્થિત 21 વ્યક્તિઓને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા ટ્રાન્સજેન્ડર આઈડેન્ટીટી કાર્ડ અને આઈ.ટી.આઈ દ્વારા કોર્ષ કીટ આપવામાં આવી હતી.