રાજકોટ : ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અને ઓછા ભાવ મુદ્દે ખેડૂતોનો આક્રોશ યથાવત છે. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ ઘટતા ડુંગળીના ભાવની સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગોંડલ માર્કેટ યાર્ડ બહાર સતત બીજા દિવસે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ તકે પોલીસે 10 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી. ગોંડલ માર્કેટ યાર્ડ અંદર અને બહાર ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યો હતો. ઉપરાંત તાત્કાલિક ડુંગળીની નિકાસને છૂટ આપવાની ખેડૂતો અને વેપારીઓએ માંગ કરી હતી.
ખેડૂતોનો વિરોધ યથાવત : થોડા દિવસ પહેલાં જે ડુંગળી લોકોને રડાવતી હતી તે આજે ખેડૂતોને રડાવી રહી છે. હાલ ગુજરાતમાં ડુંગળીની નિકાસ બંધી મુદ્દે ખેડૂતો આક્રોશમાં છે. જ્યાં વિવિધ સ્થાનો પર એક તરફ માર્કેટિંગ યાર્ડમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યાં બીજી તરફ અમુક મુખ્ય રસ્તા પર ચક્કાજામ કરી પોતાનો વિરોધ લોકો સુધી પહોંચાડી રહ્યા છે. ખેડૂતોને ડુંગળીનો પૂરતા ભાવ ન મળતા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે.
નેશનલ હાઇવે પર ચક્કાજામ :સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવતા મહુવા, ગોંડલ, ભાવનગરમાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જેમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ડુંગળી નિકાસ પર પ્રતિબંધ મુકાતા ખેડૂતો બહોળી સંખ્યામાં હાઇવે પર ઉતરી આવ્યા અને રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતોએ વિરોધ પ્રદર્શન દરમિયાન રોડ પર ચક્કાજામ પણ કર્યો હતો.
ગોંડલ યાર્ડને તાળા લાગ્યા : ઉલ્લેખનિય છે કે, ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાં 55,000 ડુંગળીના કટ્ટાની આવક વચ્ચે ખેડૂતોનો વિરોધ નોંધાવ્યો હતો. માર્કેટ યાર્ડના મેઈન ગેટ આગળ ડુંગળી ફેંકી ખેડૂતોએ ગેટ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતો દ્વારા ગેટ બંધ કરાવતા માર્કેટ યાર્ડના બંને મુખ્ય ગેટ બંધ થતા યાર્ડ બહાર અન્ય જણસીઓ સાથે લસણ ભરેલા વાહનોની કતારો જોવા મળી હતી.
આત્મવિલોપનની ચીમકી : બીજી બાજુ ગઈકાલે બપોર સુધીમાં માર્કેટ યાર્ડના સતાધીશો ખેડૂતોના પ્રશ્નોને વાચા નહીં આપે તો ધોરાજીના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી પણ આપી હતી. ડુંગળીની નિકાસ બંધીને લઈને ખેડૂતોનું આંદોલન આગામી દિવસોમાં ઉગ્ર બનાવવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. આજે સતત બીજા દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા રસ્તા પર ડુંગળી ફેંકીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ખેડૂતોએ ડુંગળીના ભાવ મુદ્દે બીજા દિવસે વિરોધ કર્યો હતો.