રાજકોટઃ ગોંડલ તાલુકાના બિલિયાળા ગામમાં ખેડૂતો વહેલી સવારે ઊઠીને ખેડૂતો વાવણી કરી રહ્યા છે. આજનો દિવસ ખેડૂતો માટે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. એટલે જ વર્ષોથી ખેડૂતો આજના દિવસ માટે લાપસીના આંધણ મૂક્યા હોવાની કહેવત જાણીતી છે.
ગોંડલ તાલુકામાં ગુરુવારના દિવસે વાવાઝોડા સાથે વરસાદ પડતાં 25 જેટલા ગામડાઓમાં ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું છે. કપાસ મગફળી અને કઠોળ સહિતના પાકનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે કપાસ કરતાં મગફળીનું વાવેતર વધુ થશે. કારણ કે, ગત વર્ષે બીટી કપાસમાં ગુલાબી ઈયળ આવી જતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોનો મોટાભાગનો કપાસનો પાક નિષ્ફળ ગયો હતો.
તો બીજી તરફ, કપાસના પાકના પૂરતા પ્રમાણમાં ભાવ પણ મળ્યો નહોતો. જેથી આ વર્ષે ખેડૂતો હવે મગફળીનું વાવેતર વધુ કરી રહ્યા છે. વાવણી અંગે ખેડૂતોનું કહેવું છે કે, કપાસનો પાક વર્ષમાં એક જ વાર લઈ શકાય છે, જ્યારે મગફળીનું વાવેતર કરીએ એટલે શિયાળુ પાક પણ લઈ શકાય છે
લોકડાઉનના કારણે સૌરાષ્ટ્રભરમાંથી મોટાભાગના મજૂરો મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં ચાલ્યા ગયા હોવાથી હાલમાં મજૂરોની અછત જોવા મળી રહી છે. તો, બીજી તરફ મોટાભાગના ખેડૂતો પોતાની જમીન મધ્યપ્રદેશના મજૂરોને ભાગમાં દેતા હોય છે, જે ભાગ્યા પણ પોતાના વતનમાં જતા રહ્યા હોવાથી મોટાભાગના ખેડૂતો જાતે ખેતી કરી રહ્યા છે, ત્યારે સુરત, અમદાવાદ અને મુંબઈથી આવેલા અમુક યુવાનો પણ પોતાના વતનમાં વાવણી કરવા માટે મદદરૂપ થઇ રહ્યા છે.