રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિવાદ જાણે એકબીજાના પર્યાય બની ગયા છે. એક બાદ એક વિવાદો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છાશવારે સામે આવતા હોય છે. એવામાં વધુ એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી વિદેશી દારૂની ખાલી બોટલ ઝડપાઈ છે. યુનિવર્સિટીના સંસ્કૃત ભવન નજીકથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.
ઇન્ચાર્જ કુલપતિનું નિવેદન : આ મામલે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ કડક કાર્યવાહી કરવાની વાત કરી છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ અગાઉ પણ ઘણી વખત વિદેશી દારૂની બોટલો મળી આવી છે. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદમાં સપડાઈ છે. સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડો ગિરિશ ભીમાણીએ મીડિયા સાથેની વાતચીત કરી હતી. તેઓ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ વિદ્યાર્થીઓના હિત માટે અને શૈક્ષણિક કાર્યનો વિકાસ થાય તેના માટે જે અવિરત ગતિ કરી રહ્યું છે. એવામાં કોઈ અસામાજિક તત્વોએ હવનમાં હાડકાં નાખવાનું કાર્ય કર્યું છે.
ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળી આવવા મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવશે. આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્યાં લાઈટની વ્યવસ્થા નથી ત્યાં વીજ પોલ ઊભા કરવામાં આવશે. ઉપરાંત LED લાઇટ અને CCTV કેમેરા નાખવાની કાર્યવાહી તાત્કાલિક કરવામાં આવશે. જ્યારે આ મામલે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.-- ડો. ગિરીશ ભીમાણી (ઇન્ચાર્જ કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
હવનમાં હાડકાં : અગાઉનો બનાવ ડો. ગિરીશ ભીમાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ ભૂતકાળમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ખેલ મહોત્સવ રમાવાનો હતો. તે સમયે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતે યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડને મંજૂરી આપી હતી. ત્યારે આ હોકી મેદાનને પણ અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જે મામલે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોલીસે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
કુલપતિની સૂચના : ઇન્ચાર્જ કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલની ઘટના ખૂબ જ દુઃખદ છે. જેમાં બહારથી આવતા આવારા તત્વો દ્વારા દારુની મહેફિલો કર્યા બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં ખાલી બોટલો નાખવામાં આવે છે. હું ગઈકાલે સામાજિક કામ અર્થે બહાર હતો. જ્યારે આ પ્રકારના સમાચાર મળતા મેં તાત્કાલિક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રારને સૂચના આપી હતી. આ મામલે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું.