રાજકોટ : રાજ્યમાં હાલ બેવડી ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. એવામાં ગયા અઠવાડિયે કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો. જેના લઈને રાજકોટમાં રોગચાળો વકર્યો છે. શહેરમાં શરદી ઉધરસ તેમજ તાવના કેસમાં ઉછાળો આવ્યો છે. આ સાથે જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાના કેસ વધ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સત્તત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
ડેન્ગ્યુના 8 કેસ સામે આવ્યાં : રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા મુજબ શહેરમાં ગત અઠવાડિયે મચ્છરજન્ય રોગચાળાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. જેમાં મેલેરિયાનો 1, ડેન્ગ્યુના 8 અને ચિકનગુનિયાના 5 કેસ સામે આવ્યા છે. જ્યારે જાન્યુઆરીથી મહિનાથી અત્યાર સુધીમાં રાજકોટમાં મેલેરિયાના કુલ 37, તેમજ ડેન્ગ્યુના 191 અને ચિકનગુનિયાના 74 કેસ નોંધાયા છે. જે ગયા વર્ષ કરતા વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે.

ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો : આ આંકડા કોર્પોરેશનના વિવિધ આરોગ્ય કેન્દ્રમાં નોંધાયા છે. તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ મોટા પ્રમાણમાં લોકો સારવાર લઈ રહ્યા છે. જ્યારે મચ્છરજન્ય રોગ સાથે શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસમાં વધારો જોવા મળ્યો છે.
શરદી ઉધરસના 860 કેસ જોવા મળ્યાં : પાણી જન્યરોગની વાત કરવામાં આવે તો શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં ઝાડા ઉલ્ટીના 180 કેસ નોંધાયા છે. આ સાથે જ શરદી ઉધરસના 860 કેસ તેમજ સામાન્ય તાવના 68 કેસ નોંધાયા છે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પણ વધતા રોગચાળા મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં આરોગ્ય વિભાગની ફિલ્ડ ટીમ દ્વારા શહેરમાં 50 હજાર કરતાં વધુ ઘરોમાં મચ્છરના પોરાનાશકની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 2308 ઘરમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. બેવડી ઋતુના કારણે રાજકોટમાં રોગચાળાના કેસમાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યું છે.