રાજકોટઃ 14 એપ્રિલના રોજ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર જેઓ ભારતના બંધારણના ઘડવૈયા તેમજ દેશના પ્રથમ કાયદા પ્રધાન પણ છે. તેમની 129મી જન્મ જયંતિ છે.
એક તરફ હાલ સમગ્ર દેશ કોરોના વાઈરસના કારણે 3 મે સુધી સમગ્ર ભરત લોકડાઉન છે. ત્યારે મંગળવારે રાજકોટમાં પણ લોકડાઉન વચ્ચે મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયા અને કોંગ્રેસ શહેર પ્રમુખ અશોક ડાંગર હોસ્પિટલ ચોક ખાતે આવેલ ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા માટે આવી પહોચ્યા હતા, પરંતુ લોકડાઉનના પગલે પોલીસ કાફલા દ્વારા વશરામ સાગઠિયાને પ્રતિમાને પુષ્પાંજલી કરવા જતા રોકવામાં આવતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આ મામલે પોલીસ કમિશ્નર, મનપા કમિશ્નર અને જિલ્લા કલેક્ટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડૉ. બાબા સાહેબની પ્રતિમાને અધિકારીઓ દ્વારા પુષ્પાંજલી કરવામાં આવી હતી. આમ સમગ્ર મામલો શાંત પડ્યો હતો.
હાલ લોકડાઉન હોવાથી મોટાભાગના દલિત નેતાઓ દ્વારા બાબા સાહેબની જન્મજયંતિ નિમિતે એકઠા ન થવાનું ભીમ સૈનિકોને જણાવ્યું હતું. જ્યારે પોલીસ અધિકારીઓ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જઈને આગેવાનો સાથે બેઠક કરી આ વર્ષે પરિસ્થિતિને અનુરૂપ જન્મ જયંતિ ઉજવવાનું સુચવ્યું હતું.