રાજકોટ: કોઈ આમ વ્યક્તિ નહીં પરંતુ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જ નશાની હાલતમાં ધૂત થઈ એક કિશોરીને અડફેટે લેતા સમગ્ર પંથકની અંદર ભારે ચકચાર મચી ગઈ છે. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના ગેટ પાસે એક કારચાલક પોલીસકર્મીએ સાયકલ સવાર કિશોરીને અડફેટે લઇ લીધી હતી. આ ઘટનામાં એક 17 વર્ષીય સાયકલ સવાર કિશોરીને કારે હવામાં ફંગોળી હતી અને સાયકલનો કચ્ચરઘાણ વાળી નાખ્યો હતો. આ ઘટનામાં PSI લક્ષ્મીનારાયણ શંભુપ્રસાદ વ્યાસે નશાની હાલતમાં અકસ્માત કર્યો હોવાનું સામે આવતા પોલીસે P.S.I. સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.
17 વર્ષીય કિશોરીને હવામાં ફંગોળી: આ અકસ્માત દરમિયાન હાજર રહેલા લોકો અને નજરે જોનારા લોકોએ સમગ્ર ઘટનામાં કહ્યું કે જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારચાલક પોલીસકર્મી હોય અને નશામાં ધૂત હતો અને નશો કરીને કાર હંકારી રહ્યો હતો. તેના કારણે એક 17 વર્ષીય કિશોરીને અડફેટે લઇ લીધી હતી. જો કે સદનસીબે આ કિશોરીને મોટી જાનહાનિ થઇ ન હતી અને માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી. અકસ્માત સર્જનાર આ કારચાલકનું નામ લક્ષ્મીનારાયણ શંભુપ્રસાદ વ્યાસ છે અને તે ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવી રહ્યો હોવાનું બહાર આવ્યુ છે.
યુવતીના ભાઈએ નોંધાવી ફરિયાદ: અકસ્માત બાદ ભોગ બનનાર કિશોરીના ભાઇ આદીત હરેશભાઈ ચૌહાણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને પોલીસકર્મી નશો કરેલી હાલતમાં કાર હંકારી રહ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. જો કે હવે સવાલ એ થાય છે કે નશાની હાલતમાં બેફામ બનેલા કાર ચલાવનાર પોલીસકર્મી વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી તેનો બચાવ થશે ? હાલમાં તો યુનિવર્સિટી પોલીસે આa અકસ્માત સર્જનારા પોલીસકર્મીની ધરપકડ કરી છે.
"29 જૂલાઈના સાંજના આઠ વાગ્યા આસપાસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બી.ટી. સવાણી હોસ્પિટલ પાસે રોડ પર એક કાર ચાલકે એક સાયકલ સવાર યુવતીને અડફેટે લીધી હતી. જેમાં તપાસ કરતાં અકસ્માત સર્જનાર વ્યક્તિ લક્ષ્મીનારાયણ શંભુપ્રસાદ વ્યાસ ભુજ ખાતે વાયરલેસ P.S.I. તરીકે નોકરી કરે છે તેવું સામે આવ્યું છે. જેમાં તે નશાની હાલતમાં ગાડી ચલાવી અને સાયકલ સવાર કિશોરીને હડફેટે લેતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ તેમની ધરપકડ પણ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે." - ભાર્ગવ પંડ્યા, ACP, રાજકોટ
પોલીસકર્મીની ધરપકડ: રાજકોટની યુનિવર્સિટી પોલીસે આ મામલે નશામાં ધૂત રહીને અકસ્માત સર્જનાર PSI સામે I.P.C. કલમ 279, 308, 337 તથા એમ.વી. એક્ટ 177, 184, 185 તેમજ પ્રોહી કલમ 66(1)બી મુજબનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સામાન્ય લોકોની સામે ડ્રાઇવ ચલાવી રહેલી પોલીસ જ આ પ્રકારનું કૃત્ય કરશે તો અન્ય વ્યક્તિઓ કાયદાના ડરની કેવી પ્રેરણા લેશે તે તો આના પરથી સ્પષ્ટ પણે અંદાજો લગાવી શકાય છે.