રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં એકમાત્ર રાજકોટને એઇમ્સની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટના ભાગોળે આવેલા પરા પીપળીયા ગામ નજીક હાલ એઇમ્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જ રાજકોટ એઇમ્સના ચેરમેન પદે ડો. વલ્લભ કથીરિયાની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેવામાં ચેરમેન પદની નિમણૂકના થોડા સમય બાદ જ ડો કથીરીયાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જ્યારે હાલ એઇમ્સનું કામ ચાલી રહ્યું છે. તેવામાં પ્રથમ ચેરમેન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે. જેને લઇને હાલ ચર્ચાઓનો દોર શરૂ થયો છે.
કથીરીયાએ આપ્યું રાજીનામું : ડો. વલ્લભ કથીરીયાની થોડા સમય પહેલા જ રાજકોટ એઇમ્સના ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી હતી. તેવામાં ડોક્ટર કથીરીયા એઇમ્સના પ્રથમ ચેરમેન બન્યા રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ એઇમ્સની મુલાકાત લેવાના હતા પરંતુ સીએમ ભુપેન્દ્ર પટેલ રાજકોટની એઇમ્સની મુલાકાત લે તે પહેલા જ ડો.વલ્લભ કથીરીયાએ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. જ્યારે ડો વલ્લભ કથીરીયાએ કયા કારણોસર રાજીનામું આપ્યું છે. તે હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા ડો કથીરિયાનું રાજીનામું મંજૂર પણ કરી લેવામાં આવ્યું છે. જેને લઇને હવે આગામી દિવસોમાં રાજકોટ એઇમ્સને નવા ચેરમેન મળશે.
રાજીનામાં પર કથીરીયાનું નિવેદન : રાજીનામા મામલે ડો કથીરીયાનું નિવેદન આપતા જણાવ્યું કે, મને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય માંથી મેસેજ આવ્યો હતો કે, ટેકનિકલ કારણોસર તમારે એઇમ્સના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડશે. જેને ધ્યાનમાં રાખીને મેં ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. હું હજુ આ મામલે વધુ કાઈ જાણતો નથી.
રાજકોટના સાંસદ રહિ ચુક્યા છે : ડો. વલ્લભ કથીરીયાની વાત કરવામાં આવે તો, તેઓ રાજકોટના સાંસદ રહી ચૂક્યા છે અને ભાજપ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. જ્યારે વલ્લભ કથીરીયાને અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગૌ સેવા આયોગના ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2019થી ડૉ કથીરીયા ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન પણ છે. જ્યારે તાજેતરમાંજ ડો. વલ્લભ કથીરીયાની આગેવાનીમાં રાજકોટમાં પણ ગૌ એક્સ્પો યોજાયો હતો અને આ ગૌ એક્સપોની સફળતા બાદ ડો. વલ્લભ કથીરિયાને રાજકોટ એઇમ્સના ચેરમેન પદે નિમણૂક આપવામાં આવી હતી. પરંતુ ગણતરીના દિવસોમાં જ તેમને પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દેતા હવે ટૂંક સમયમાં નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવશે.