રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરના રેસકોર્સ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટ મનપા દ્વારા ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આતશબાજીમાં રંગબેરંગી અને અવનવા ફટકાડકાના અદભુત દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ ઉમટી પડ્યા હતા.
ભવ્ય આતશબાજી : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 40 વર્ષ કરતાં વધારે સમયથી દિવાળી નિમિત્તે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરાયું હતું. આતશબાજીનો આ કાર્યક્રમ રાત્રે 8 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી એટલે કે એક કલાક સુધી ચાલ્યો હતો.
રાજકોટીયન ઉમટી પડ્યા : રાજકોટ મનપા દ્વારા આયોજીત આતશબાજી કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી અલગ અલગ થીમના ફટાકડા મંગાવવામાં આવ્યા હતા. જ્યારે આ ફટાકડા રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતેથી આકાશમાં જઈને ફૂટ્યા તો જાણે બ્રહ્માંડ રાજકોટ પર છવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
જાહેર જનતા માટે અનેરો અવસર : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જ્યારે આ કાર્યક્રમ મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે યોજવામાં આવે છે. હાલમાં વર્તમાન સમયમાં જે પણ નવા-નવા ફટાકડાઓ આવતા હોય છે તેની મજા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માણી શકે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે.
રાજકોટ મનપા દ્વારા આયોજન : રાજકોટ મનપા દ્વારા લાખો રૂપિયાના અવનવા ફટાકડા આતશબાજી કાર્યક્રમ દરમિયાન ફોડવામાં આવે છે. તેમજ આ વર્ષે પણ ધનતેરસના દિવસે આ આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. આતશબાજી કાર્યક્રમનો મોટી સંખ્યામાં રાજકોટના શહેરીજનોએ લાભ લીધો હતો.